કાનપુરના કરોડપતિ દવા વેપારી વિનિત મિનોચાની હત્યાના કેસમાં પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારા દાવા સામે આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ હત્યાની કથિત માસ્ટરમાઇન્ડ તેમની વહુ શાલૂ હતી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે જે સમયે વિનિતની હત્યા થઈ રહી હતી, તે સમયે શાલૂ પોતાના પતિ સુબ્રત સાથે પાર્ટીમાં ડાન્સ કરી રહી હતી.

પાર્ટીમાં બધું સામાન્ય હતું, પરંતુ પાછળ શું ચાલી રહ્યું હતું?

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા પાર્ટીના વીડિયોમાં શાલૂ પતિ સાથે ડાન્સ કરતી જોવા મળે છે. પોલીસના દાવા મુજબ શાલૂ કથિત હત્યાનું પ્લાનિંગ કરીને જ પાર્ટીમાં ગઈ હતી. પાર્ટીમાં હાજર લોકોને તેના વર્તન પરથી કોઈ શંકા ન થઈ હોવાનું જણાવાયું છે.

હત્યારાઓને પહેલા જ ઘરમાં છુપાવ્યાનો પોલીસનો દાવો

પોલીસ તપાસ મુજબ 5 સપ્ટેમ્બરની રાત્રે શાલૂએ તેના જૂના નોકર વિશાલને ફોન કરીને બોલાવ્યો હતો. વિશાલ પોતાના સાથી રાજકિશોર સાથે એપાર્ટમેન્ટ પહોંચ્યો હતો. બંને ગજરો લઈને આવ્યા હતા અને સુરક્ષા ગાર્ડને અલગ નામ જણાવ્યાનો દાવો છે. પોલીસના જણાવ્યા મુજબ શાલૂએ બંનેને વિનિતના રૂમમાં છુપાવ્યા બાદ પોતે તૈયાર થઈ પતિ અને પુત્ર સાથે પાર્ટીમાં જવા નીકળી હતી.

વિનિતે લાઇટ ચાલુ કરી અને આખો પ્લાન બદલાઈ ગયો?

પોલીસના દાવા મુજબ બંને આરોપીઓ વિનિતના સૂવાની રાહ જોઈ રહ્યા હતા. શરૂઆતમાં હત્યાને સામાન્ય મોત અથવા હાર્ટ એટેક જેવું દેખાડવાની યોજના હોવાનો દાવો છે. જોકે વિનિતે અચાનક લાઇટ ચાલુ કરતાં બંને આરોપીઓ તેની નજરે પડી ગયા અને ત્યારબાદ છરીથી હુમલો કરવામાં આવ્યો હોવાનો પોલીસનો દાવો છે.

CCTVથી ખુલ્યો કેસ, પછી સામે આવ્યું કથિત કાવતરું

ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. એપાર્ટમેન્ટના CCTVમાં બંને આરોપીઓ અંદર જતા અને બહાર નીકળતા દેખાયા હોવાનું પોલીસે જણાવ્યું છે. 6 સપ્ટેમ્બરે બંનેને કથિત એન્કાઉન્ટર બાદ પકડવામાં આવ્યા હતા. પૂછપરછમાં વિશાલે શાલૂના કહેવાથી હત્યા કરી હોવાનો દાવો કર્યો હતો.

વિશાલને રૂ.6 લાખ આપવાનું જણાવ્યું 

પોલીસના જણાવ્યા મુજબ હત્યા બદલ વિશાલને રૂ.6 લાખ આપવાનું અને ફરી નોકરી આપવાનું લાલચ આપવામાં આવ્યું હતું. વિશાલે પોતાના સાથી રાજકિશોરને રૂ.30 હજાર આપવાનું કહી કથિત રીતે સજિશમાં સામેલ કર્યો હોવાનો દાવો છે.

સસરાની રોકટોકથી પરેશાન હોવાનો દાવો

પોલીસ મુજબ પૂછપરછમાં વિનિતના ઘરમાં CCTVથી તેના પર નજર રાખવામાં આવતી હોવા અને જરૂરિયાત મુજબ જ પૈસા મળતા હોવાની ફરિયાદ શાલૂએ વિશાલ સમક્ષ કરી હતી. પોલીસનો દાવો છે કે અગાઉ અકસ્માત કરાવવાની વાત પણ થઈ હતી, પરંતુ બાદમાં અન્ય રીતે હત્યાનું કાવતરું રચાયું.

શાલૂની પણ ધરપકડ કરી તેને જેલમાં ધકેલાઇ 

પોલીસે શાલૂની પણ ધરપકડ કરી તેને જેલ મોકલી છે. વિનિત મિનોચા દવાઓના હોલસેલ વેપારી હતા અને તેમની ફર્મનું વાર્ષિક ટર્નઓવર આશરે રૂ.50થી રૂ.60 કરોડ હોવાનું જણાવાયું છે. હવે પોલીસ હત્યાનું ચોક્કસ કારણ, પૈસાના વ્યવહાર અને આરોપીઓના નિવેદનોની વધુ તપાસ કરી રહી છે.  


આ પણ વાંચો :   Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું