વિશ્વપ્રસિદ્ધ અને હિન્દુ ધર્મના અત્યંત પવિત્ર એવા કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં શનિવારે સવારે અચાનક ગોળીબાર થતાં ભારે અફરાતફરી અને હડકંપ મચી ગયો હતો. આ ઘટના મંદિરના ગેટ નંબર 4બી પર બની હતી, જ્યાં સુરક્ષામાં તૈનાત પીએસીના એક જવાનની સરકારી બંદૂકમાંથી અચાનક આકસ્મિક રીતે ગોળી છૂટી ગઈ હતી. સદનસીબે આ એક દુર્ઘટના હતી અને કોઈ મોટો આત્મઘાતી હુમલો ન હોવાથી મોટી રાહત સર્જાઈ હતી. જો કે, આ મિસફાયરિંગની ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. રાહતની વાત એ છે કે કોઈને સીધી ગોળી વાગી નથી, પરંતુ ગોળીના છરા વાગવાને કારણે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ફુલહારનો વ્યવસાય કરતા 3 લોકો ઘાયલ
સમાચાર માધ્યમોના અહેવાલ મુજબ, આ અકસ્માતમાં ઘાયલ થયેલા ત્રણેય વ્યક્તિઓ મંદિરની બહાર ફૂલ-હારનો વ્યવસાય કરતા સ્થાનિક દુકાનદારો છે. ઈજાગ્રસ્તોની ઓળખ નિક્કી ગુપ્તા, રામબાબુ અને વિકાસ યાદવ તરીકે થઈ છે. ઘટના બનતાની સાથે જ સુરક્ષામાં તૈનાત અન્ય ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
