પશ્ચિમ બંગાળમાં આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટરનું દુષ્કર્મ અને હત્યા કેસને આજે 1 વર્ષ પુર્ણ થયું હતું. આજે પીડિતાના પરિવારે નબન્ના ચલો અભિયાનનું આહવાહન કર્યું હતું . આ રેલીમાં પીડિતાના પરિવાર સાથે ભાજપના મોટા નેતાઓ પણ જોડાયા હતા. જો કે રેલીમાં કોલકાતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો જેમાં પીડિતાના માતા પિતા પણ ઘાયલ થયા હતા.

ન્યાય ન મળતા પીડિત પરિવાર દ્વારા 'નબન્ના ચાલો' નામે રેલી યોજી

પશ્ચિમ બંગાળમાં કોલકાતામાં આર.જી. કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક વર્ષની પુર્વે થયેલી મહિલા ડૉક્ટરના યૌન શોષણ અને હત્યાના કેસમાં હજુ સુધી ન્યાય ન મળતા પીડિત પરિવાર દ્વારા 'નબન્ના ચાલો' નામે ન્યાય માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

પોલીસના લાઠીચાર્જમાં પીડિતાના માતા પિતા ઘાયલ

આ રેલીમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ સહિત વિપક્ષના નેતા શુભેંદુ અધિકારી પણ જોડાયા હતા.ભારે ગુસ્સા અને આક્રોષ સાથે યોજાયેલી આ રેલી પર કોલકાતા પોલીસે લાઠીચાર્જ કર્યો, જેમાં પીડિત મહિલા ડૉક્ટરના માતા-પિતા પણ ઘાયલ થયા છે.

નબન્ના સુધી જવાની ઈચ્છા, પરંતુ રૂટ પર પ્રતિબંધ

પીડિતના માતા-પિતાએ જણાવ્યું હતું કે તેઓ માત્ર મુખ્યમંત્રીના કાર્યાલય નબન્ના સુધી જઈને પુત્રી માટે ન્યાયની માંગ કરવા ઈચ્છતા હતા. પણ નબન્ના વિસ્તારમાં ધારા 163 લાગુ હોવાથી કોઇ પણ પ્રકારના વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ હતો.જેથી લોકોએ બેરિકેડ તોડીને આગળ વધવાનો પ્રયાસ કર્યો, જેના પરિણામે પોલીસ દ્વારા પાર્ક સ્ટ્રીટ ખાતે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો

અમે માત્ર ન્યાય માંગીએ છીએ — પીડિતાની માતા

ઘટનામાં ઘાયલ થયેલી પીડિતાની માતાએ કહ્યું કે કોલકાતા પોલીસના લાઠીચાર્જમાં મને માથામાં ઈજા થઈ છે. અમે તો માત્ર ન્યાય માંગવા ગયેલા. અમારું ગુનો શું છે?"

રાજકીય ગરમાવો વધ્યો

વિપક્ષ નેતા શુભેંદુ અધિકારીએ આ ઘટનાને “મમતા બેનરજી સરકારની દમનકારી નીતિ” જણાવીને આરોપ લગાવ્યો કે રાજ્ય સરકાર પીડિત પરિવારને ન્યાયની માંગ પણ નહિ કરવા દે. મમતા સરકાર શરમજનક રીતે મહિલાઓની સલામતી પર નિષ્ફળ ગઈ છે.

કોલકાતા પોલીસની કાર્યવાહી સામે વિરોધ

કોલકાતા પોલીસની કાર્યવાહી સામે ભારે વિરોધ ઊઠી રહ્યો છે. રેલીમાં સામેલ અનેક લોકોએ સોશિયલ મીડિયા પર વિડિઓઝ શેર કર્યા જેમાં લાઠીચાર્જ અને હુલ્લડના દ્રશ્યો જોવા મળ્યા છે.

ન્યાય વગર શાંત નહી બેસે

મૃતક ડૉક્ટરના પરિવાર અને સમર્થકોએ સ્પષ્ટ કર્યુ છે કે તેઓ તેમની પુત્રી માટે ન્યાય મળ્યા વગર શાંત નહીં બેસે. બીજી તરફ રાજ્ય સરકાર તરફથી હજી સુધી કોઈ અધિકૃત નિવેદન આવ્યું નથી.
  • Follow us on: