કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)એ ઉત્તરાખંડના ચર્ચિત LUCC (લોની અર્બન મલ્ટી સ્ટેટ ક્રેડિટ એન્ડ થ્રિફ્ટ કો-ઓપરેટિવ સોસાયટી) ચિટફંડ કૌભાંડમાં મોટી કાર્યવાહી કરતાં મુખ્ય આરોપી સમીર અગ્રવાલ સહિત 18 આરોપીઓ અને એક સંસ્થા સામે દેહરાદૂનની વિશેષ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતા (IPC), ભારતીય ન્યાય સંહિતા (BNS), ઉત્તરાખંડ રોકાણકાર હિત સંરક્ષણ કાયદો તથા BUDS એક્ટ, 2019 હેઠળ વિવિધ ગુનાઓ નોંધવામાં આવ્યા છે.
50થી વધુ શાખાઓ મારફતે મોટી રકમ એકત્ર કરી
CBIના જણાવ્યા મુજબ, ઉત્તરાખંડ હાઈકોર્ટના આદેશ બાદ વર્ષ 2025માં LUCC કૌભાંડની તમામ ફરિયાદોની તપાસ એજન્સીને સોંપવામાં આવી હતી. ત્યારબાદ 26 નવેમ્બર, 2025ના રોજ CBIએ કેસ નોંધ્યો અને રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલી 18 FIRની તપાસ પોતાના હાથમાં લીધી. તપાસ દરમિયાન ખુલાસો થયો કે LUCC સોસાયટીનું રજિસ્ટ્રેશન વર્ષ 2012માં થયું હતું. વર્ષ 2016માં સમીર અગ્રવાલે સંસ્થાનું સંચાલન સંભાળી નવું બોર્ડ બનાવ્યું અને ઉત્તરાખંડમાં 50થી વધુ શાખાઓ મારફતે વિવિધ રોકાણ યોજનાઓના નામે લોકો પાસેથી મોટી રકમ એકત્ર કરી.
