મથુરાના કોશીકલાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી જુગલ કિશોર જ્વેલર્સમાં 13 સપ્ટેમ્બરની રાત્રે થયેલી આશરે રૂ.12 કરોડની સનસનીખેજ ચોરીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે દુકાનનો પૂર્વ કર્મચારી પપ્પુ સોની જ સમગ્ર કાવતરાનો માસ્ટરમાઇન્ડ હતો. તેણે પોતાના ભાઈ, માતા અને બહેન સાથે મળીને ચોરીને અંજામ આપ્યો હતો.

ગેસ કટરથી દુકાનની છત કાપી અંદર પ્રવેશ કર્યો 

પોલીસના જણાવ્યા મુજબ, પપ્પુ સોનીને દુકાનની સુરક્ષા વ્યવસ્થા અને લોકરની ચાવી અંગે સંપૂર્ણ જાણકારી હતી. તેને ખબર હતી કે દુકાનમાલિક લોકરની ચાવી અંદર જ રાખી જતા હતા. આ જાણકારીનો લાભ લઈ આરોપીએ ગેસ કટરથી દુકાનની છત કાપી અંદર પ્રવેશ કર્યો હતો.

7 કલાક સુધી દુકાનમાં રહ્યો

13 સપ્ટેમ્બરની રાત્રે આરોપીએ પરિવાર સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. છત કાપીને દુકાનમાં ઘૂસ્યા બાદ તે લગભગ 7 કલાક સુધી અંદર રહ્યો હતો. ત્યારબાદ ચાવી શોધી લોકર ખાલી કરી માલ લઈને ફરાર થયો હતો. અગાઉ પણ આરોપી એક જ્વેલરી શોપમાં ચોરી કરી ચૂક્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સીસીટીવીમાં તે કાળા શૉલથી પોતાનો ચહેરો ઢાંકી બહાર નીકળતો જોવા મળ્યો હતો.

100થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ

ચોરીનો ભેદ ઉકેલવા એસટીએફ અને પોલીસની 10 ટીમો બનાવવામાં આવી હતી. ટીમોએ 100થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા બાદ ગોપાલ બાગ નજીકથી ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

સોનું અને રોકડ સહિત સંપૂર્ણ માલ જપ્ત

પોલીસે આરોપીઓ પાસેથી આશરે રૂ.12 કરોડની કિંમતનું સાડા 7 કિલો સોનું અને રૂ.11 લાખ રોકડ કબજે કરી છે. શરૂઆતમાં વેપારીએ 10 કિલો સોનું ચોરાયું હોવાની માહિતી આપી હતી. જોકે, દસ્તાવેજો અને સ્ટોકનું મિલાન કર્યા બાદ ચોરી થયેલો 100 ટકા માલ પરત મળી આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. ચારેય આરોપીઓને કાયદેસરની કાર્યવાહી બાદ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.  


આ પણ વાંચો :    Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’