મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) ના જવાનોની સતર્કતાના કારણે સોનાની તસ્કરીનો વધુ એક પ્રયાસ નિષ્ફળ બનાવાયો છે. શારજાહથી આવેલા અને આંતરરાષ્ટ્રીય-થી-ડોમેસ્ટિક ટ્રાન્સફર ફ્લાઇટ પકડવા જઈ રહેલા એક મુસાફરની શંકાસ્પદ હલચલ પર CISF ના જવાનોને શંકા ગઈ હતી. જેના આધારે મુસાફરને અટકાવીને તેની સઘન તલાશી લેવામાં આવી હતી.
જૂતાના સોલની અંદર છુપાવી હતી સોનાની પેસ્ટ
મુસાફરની પ્રાથમિક ફ્રિસ્કિંગ (શારીરિક તપાસ) અને ત્યારબાદ X-BIS સ્ક્રીનિંગ દરમિયાન મશીનમાં શંકાસ્પદ ઈમેજ દેખાઈ હતી. મુસાફરે પહેરેલા જૂતાની બારીકાઈથી તપાસ કરવામાં આવતાં જવાનો ચોંકી ઉઠ્યા હતા. તેણે જૂતાના સોલની અંદર ચાલાકીપૂર્વક સોનાની પેસ્ટ છુપાવી રાખી હતી. CISF દ્વારા તાત્કાલિક મુસાફરની અટકાયત કરી જપ્ત કરાયેલા સામગ્રી સાથે આગળની કાયદેસરની કાર્યવાહી માટે કસ્ટમ્સ વિભાગને સોંપવામાં આવ્યો હતો.
