નાગપુરથી મુંબઈ તરફ રવાના થયેલી પ્રવાસીઓની અતિ મહત્ત્વની ટ્રેન નંબર 12290 દુરંતો એક્સપ્રેસ પર અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. શુક્રવારે રાત્રે આશરે 9:00 વાગ્યાના સુમારે જ્યારે આ ટ્રેન વર્ધા સ્ટેશન નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે અજાણ્યા ઇસમોએ અચાનક ટ્રેનને નિશાન બનાવીને પથ્થરો વરસાવ્યા હતા. રાત્રિના શાંત વાતાવરણમાં થયેલા આ હુમલાના કારણે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા સેંકડો મુસાફરોમાં ભારે અફરાતફરી અને ફફડાટ ફેલાઈ ગયો હતો.

મુસાફરોનો આબાદ બચાવ

ઘટના બની તે સમયે મોટાભાગના મુસાફરો પોતપોતાના બર્થ પર બેસીને રાત્રિનું ભોજન લઈ રહ્યા હતા. પથ્થરમારાની તીવ્રતા એટલી વધારે હતી કે ટ્રેનના B-4 એસી કોચની બારીના કાચ તૂટીને ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા. સદનસીબે આ અચાનક થયેલા હુમલામાં કોઈપણ મુસાફરને ગંભીર ઈજા પહોંચી ન હતી અને તમામનો આબાદ બચાવ થયો હતો, પરંતુ કાચ તૂટવાના મોટા અવાજ અને અચાનક બનેલી ઘટનાથી મહિલાઓ અને બાળકો ગભરાઈ ગયા હતા.

https://www.instagram.com/reel/DdvKYxNgcjW/?utm_source=ig_web_copy_link&stkn=MzRlODBiNWFlZA==

હુમલાખોરોની શોધખોળ જારી

મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રેનને તાત્કાલિક ધોરણે વર્ધા રેલવે સ્ટેશન પર રોકવામાં આવી હતી, જ્યાં રેલવે સુરક્ષા દળ (RPF) પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ રેલવેની ટેકનિકલ અને મિકેનિકલ ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે ક્ષતિગ્રસ્ત કાચનું સમારકામ કરવામાં આવ્યું હતું અને સલામતીની ચકાસણી બાદ ટ્રેનને મુંબઈ તરફ રવાના કરવામાં આવી હતી. હાલ મધ્ય રેલવે અને આરપીએફ દ્વારા આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તથા બાતમીદારોની મદદથી પથ્થરમારો કરનાર અજાણ્યા શખ્સોને શોધી કાઢવા માટે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Patna: જમુઈની સગીર પીડિતાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ, CMOના કર્મચારી સામે FIR, POCSO હેઠળ કેસ