દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2026ના પેપર લીક કેસમાં ચાલી રહેલી CBIની તપાસમાં રાજસ્થાનના જયપુર ગ્રામ્ય વિસ્તારના જમ્મારામગઢનો એક પરિવાર હવે મુખ્ય તપાસના ઘેરામાં આવ્યો છે. તપાસમાં ખુલાસો થયો છે કે આ પરિવારના માત્ર ચાર નહીં, પરંતુ પાંચ સભ્યો વિવિધ મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવી ચૂક્યા છે, જેના કારણે સમગ્ર મામલે ગંભીર શંકા ઉભી થઈ છે.

પરિવારના લોકોએ નીટ પરીક્ષા કરી છે પાસ

CBIની તપાસ મુજબ આરોપી દિનેશની દીકરી ગુંજને પણ NEET પરીક્ષા પાસ કરી હતી અને તેને બનારસ મેડિકલ કોલેજમાં પ્રવેશ મળ્યો હતો. તે જ રીતે દિનેશ અને માંગીલાલના મોટા ભાઈ ઘનશ્યામની દીકરીઓ પલક અને સોનિયા પણ NEET ક્લિયર કરી ચૂકી છે. સોનિયા હાલ મુંબઈની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી રહી છે. માંગીલાલની દીકરી પ્રકૃતિ દૌસા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છે, જ્યારે વિકાસને સવાઈ માધોપુર મેડિકલ કોલેજ મળી હતી.

કેટલા રાજ્યમાં ફેલાયેલું છે નેટવર્ક?

તપાસમાં એ પણ સામે આવ્યું છે કે વર્ષોથી ચાલતો આ નેટવર્ક અલગ-અલગ રાજ્યોમાં ફેલાયેલું હતું. મહારાષ્ટ્રથી નાસિક અને હરિયાણા સુધીના કેટલાક લોકોની સાંકળ આ કેસ સાથે જોડાયેલી હોવાનું જણાયું છે. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર કેટલાક વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલાં જ પ્રશ્નપત્ર મળી જતું હતું અને તે પછી તેને અન્ય લોકો સુધી પહોંચાડવામાં આવતું હતું.

CBIને માહિતી મળી છે કે પરીક્ષાથી લગભગ 15 કલાક પહેલા જ પેપર કોચિંગ સેન્ટરો સુધી પહોંચી ગયું હતું. ત્યારબાદ આ લીકનો ઉપયોગ કરીને મોટાપાયે ગેરરીતિ કરવામાં આવી હતી. હાલમાં તપાસ એજન્સી સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા પ્રયત્ન કરી રહી છે અને મુખ્ય આરોપીઓની પૂછપરછ ચાલુ છે.

આ પણ વાંચો : Sabarimala Reference Case : સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ પૂર્ણ, ચુકાદો સુરક્ષિત રખાયો