નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) UG 2026 પેપર લીક મામલે નવો ખુલાસો સામે આવ્યો છે. હવે આ કેસમાં નાસિક કનેક્શન સામે આવતા તપાસ એજન્સીઓ વધુ સક્રિય બની ગઈ છે. મામલામાં સંડોવણીની શંકા હેઠળ એક વ્યક્તિને નાસિકના ઈન્દિરાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. હાલ રાજસ્થાન પોલીસની SOG અને અન્ય તપાસ એજન્સીઓ તેની પૂછપરછ કરી રહી છે.
NEET UG 2026 પરીક્ષા કરાઈ રદ
NEET UG 2026 પેપર લીક કેસમાં સૌથી મોટો નિર્ણય તરીકે NTA દ્વારા પરીક્ષા રદ કરવામાં આવી છે. પેપર લીકની આશંકા અને તપાસમાં મળેલા પ્રાથમિક પુરાવાઓ બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET UG 2026 પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે. સાથે જ સમગ્ર મામલાની તપાસ હવે CBIને સોંપવામાં આવી છે. NTAએ ફરીથી પરીક્ષા યોજવાની પણ જાહેરાત કરી છે.
કેરળ બન્યું કેસનું સેન્ટર પોઈન્ટ
રાજસ્થાન પોલીસની SOGની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રાજસ્થાનના ચુરુનો એક ઉમેદવાર કેરળમાં MBBSનો અભ્યાસ કરી રહ્યો હતો. તેણે સીકરમાં એક PG સંચાલકને ગેસ પેપર આપ્યું હતું, જે બાદમાં લીક થયેલા પ્રશ્નપત્રનો ભાગ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ કેસમાં દેહરાદૂનમાંથી પણ કેટલાક શંકાસ્પદ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તપાસ દરમિયાન અનેક રાજ્યો સુધી આ પેપર લીકના તાર જોડાયેલા હોવાનું સામે આવી રહ્યું છે. હવે CBI સમગ્ર કેસની શરૂઆતથી તપાસ કરશે અને વધુ મોટા નેટવર્કનો ખુલાસો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવે ફરી ક્યારે યોજાશે પરીક્ષા?
NEET UG 2026 પરીક્ષા 3 મેના રોજ લેવામાં આવી હતી, જ્યારે NTAએ 6 મેના રોજ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી હતી. આ વર્ષે પરિણામ વહેલું જાહેર કરવાની તૈયારી હતી, પરંતુ પેપર લીક કેસ સામે આવતા પરીક્ષા રદ કરવાની ફરજ પડી. હવે NEET UG 2026ની ફરી પરીક્ષા યોજાવાની શક્યતા છે. હાલ CUET UG 2026ની પરીક્ષાઓ 30 મે સુધી ચાલી રહી હોવાથી પરીક્ષા કેન્દ્રોની ઉપલબ્ધી અને વ્યવસ્થાને લઈને પડકારો ઉભા થયા છે. આ પરિસ્થિતિમાં NEET UG 2026ની ફરી પરીક્ષા જૂનમાં લેવાઈ શકે છે. આ દરમિયાન NTA સુરક્ષા અને પરીક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
આ પણ વાંચો : NEET UG PaPer Leak 2026: NEET 2026ની પરીક્ષા રદ, પેપરલીક બાદ CBIને તપાસના આદેશ