રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ખાજૂવાલા વિસ્તારમાં પોલીસે પાકિસ્તાન તરફથી ચાલી રહેલી મોટી તસ્કરીના ષડયંત્રને નિષ્ફળ બનાવી છે. બિકાનેર પોલીસે 'ઓપરેશન શોક વેવ' હેઠળ મોટી કાર્યવાહી કરીને ડ્રોન મારફતે મોકલવામાં આવેલી અંદાજે 50 કરોડ રૂપિયાની 10 કિલોગ્રામ '999 માર્કા' અફઘાન હેરોઈન અને 1.5 કરોડ રૂપિયાથી વધુ કિંમતના 11 વિદેશી અત્યાધુનિક હથિયારો જપ્ત કર્યા છે.

https://twitter.com/IgpBikaner/status/2083907721699746218

ડ્રોન ડ્રોપિંગ બાદ સામાન કબજે કર્યો 

આ કાર્યવાહી બિકાનેર રેન્જના આઈજી ઓમપ્રકાશના માર્ગદર્શન અને પોલીસ અધિક્ષક મૃદુલ કચ્છાવાના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી. પોલીસને માનવ ગુપ્તચર માહિતી (HUMINT) દ્વારા જાણકારી મળી હતી કે પાકિસ્તાન તરફથી ડ્રોન મારફતે નશીલા પદાર્થો અને હથિયારોની ખેપ ભારતીય વિસ્તારમાં ઉતારવાની તૈયારી છે. માહિતીના આધારે પોલીસે જાળ ફેલાવી અને ડ્રોન ડ્રોપિંગ બાદ તરત જ સામાન કબજે કર્યો હતો.

અનેક હથિયારો કરાયા જપ્ત 

પોલીસે આ કેસમાં પાળી જિલ્લાના રહેવાસી વિરેન્‍દ્રની ધરપકડ કરી છે, જ્યારે અન્ય સંડોવાયેલા આરોપીઓની ઓળખ કરી તેમને નામજદ કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા હથિયારોમાં તુર્કી બનાવટની બે ઝિગાના પિસ્તોલ, ચાર ગ્લોક પિસ્તોલ અને પાંચ સ્ટાર માર્ક 30 બોર પિસ્તોલનો સમાવેશ થાય છે. સાથે 22 મેગેઝિન અને 100 જીવતા કારતૂસ પણ મળ્યા છે.

અન્ય તસ્કરોની શોધખોળ યથાવત

પ્રાથમિક તપાસમાં આ આંતરરાષ્ટ્રીય નાર્કો-આર્મ્સ સિન્ડિકેટના તાર પંજાબ સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસ હવે સમગ્ર નેટવર્ક અને તેમાં સામેલ અન્ય તસ્કરોની શોધખોળ કરી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ સફળતા મજબૂત ગુપ્તચર તંત્ર અને સાયબર નિષ્ણાતોની મદદથી મળી છે. સ્વતંત્રતા દિવસ પહેલાં મળેલી આ મોટી સફળતાને સરહદ પારથી થતી ડ્રોન તસ્કરી સામેની મહત્વપૂર્ણ કાર્યવાહી માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Parliament Monsoon Session : 3 ઓગસ્ટે બે મોટા બિલ લાવવાની તૈયારીમાં સરકાર, વિપક્ષની સરકારને ઘેરવાની રણનીતિ