છત્તીસગઢ કેડરના 2022 બેચના ટ્રેની IPS અધિકારી રાહુલ બંસલ અને બે પોલીસકર્મીઓ સામે સાયબર ફ્રોડનો કેસ પતાવવાના બદલામાં રૂ.1 કરોડની લાંચ માગવાનો અને લેવાનો ગંભીર આરોપ લાગ્યો છે. IPS બનતા પહેલાં ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર રહી ચૂકેલા રાહુલ બંસલની સરગુજા જિલ્લામાં CSP તરીકે પ્રથમ ફીલ્ડ પોસ્ટિંગ દરમિયાન જ આ કૌભાંડ સામે આવ્યું છે.

હવાલા મારફતે બે હપ્તામાં ચુકવાઈ લાંચની રકમ

ફરિયાદ અનુસાર, રૂ.1 કરોડની આ લાંચ એકસાથે આપવાના બદલે મે 2026માં હવાલા ચેનલ મારફતે રૂ.50-50 લાખના બે હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ કૌભાંડમાં મદદગાર તરીકે ASI પ્રવીણ કુમાર રાઠોર અને કોન્સ્ટેબલ અંશુલ શર્માના નામ પણ સામેલ છે. ફરિયાદીએ આ કથિત લેવડ-દેવડ અંગેના ડિજિટલ પુરાવા જેવા કે વોટ્સએપ ચેટ્સના સ્ક્રીનશોટ અને કોલ રેકોર્ડિંગ્સ કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે.

દિલ્હી CBI કોર્ટે DGP અને CBI ડાયરેક્ટર પાસે રિપોર્ટ માંગ્યો

રજૂ કરાયેલા ડિજિટલ પુરાવા ધ્યાને લઈને દિલ્હીની સ્પેશિયલ CBI કોર્ટે આ મામલે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે છત્તીસગઢના DGP અને CBI નિયામક પાસેથી આ કેસમાં અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે તેનો વિગતવાર 'એક્શન ટેકન રિપોર્ટ' (ATR) માંગ્યો છે. હવે આદેશ બાદ બંને વિભાગોએ તપાસની વર્તમાન સ્થિતિ અને લેવાયેલા પગલાં અંગે કોર્ટ સમક્ષ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવી પડશે.

આ પણ વાંચો : PM Modi Video: હર ઘર તિરંગા, હર મન તિરંગા.. પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો