દેશના હવામાનમાં ફરી એકવાર મોટો પલટો જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીમાં ઉભરી રહેલા એક નવા ચક્રવાતી વાવાઝોડા અને નીચા દબાણના ક્ષેત્રને કારણે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને તેની આસપાસના આંદામાન સમુદ્ર પર બનેલા આ સિસ્ટમના પ્રભાવ હેઠળ ચક્રવાત આગામી ૨ નવેમ્બરની સાંજ સુધીમાં આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પહોંચી શકે છે. આ કુદરતી આપત્તિની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઓડિશા, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને કેરળ સહિતના અનેક રાજ્યોમાં 'યલો એલર્ટ' જારી કરવામાં આવ્યું છે.

વિવિધ રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી

હવામાન વિભાગના તાજેતરના બુલેટિન મુજબ, આગામી થોડા દિવસો સુધી દક્ષિણ, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે. રવિવારે અરુણાચલ પ્રદેશ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, કેરળ અને માહેમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. ઓડિશામાં વીજળીના કડાકા-ભડાકા સાથે ૪૦ થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, આંતરિક કર્ણાટક, તેલંગાણા, છત્તીસગઢ, પૂર્વી મધ્યપ્રદેશ, તમિલનાડુ અને વિદર્ભના કેટલાક ભાગોમાં ૩૦ થી ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે ભારે વાવાઝોડા અને વીજળી પડવાની ચેતવણી આપવામાં આવી છે.

1 થી 3 નવેમ્બર દરમિયાન કેરળ, દરિયાકાંઠાનું કર્ણાટક, રાયલસીમા, ઝારખંડ અને છત્તીસગઢમાં ભારે વરસાદની સંભાવના પ્રબળ છે. પૂર્વી મધ્યપ્રદેશમાં પણ તેજ પવન સાથે વરસાદ પડી શકે છે, જેનાથી તાપમાનમાં ઘટાડો થશે.

દિલ્હીમાં કેવું રહેશે આજનું હવામાન?

એક તરફ જ્યાં દક્ષિણ અને પૂર્વ ભારતના રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું જોખમ તોળાઈ રહ્યું છે, ત્યારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજનું આકાશ મોટે ભાગે સ્વચ્છ રહેવાની આગાહી છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન ૨૮°C થી ૩૦°C અને લઘુત્તમ તાપમાન ૧૬°C થી ૧૮°Cની આસપાસ રહેવાની ધારણા છે. દિલ્હીમાં સવારના સમયે ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ૧૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જે બપોરના સમયે વધીને ૨૨ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્હીનું લઘુત્તમ તાપમાન સામાન્ય નીચાણની આસપાસ રહેશે, જ્યારે મહત્તમ તાપમાન સામાન્ય કરતા થોડું ઓછું નોંધાઈ શકે છે.

આ પણ વાંચોઃ Ramlila Maidan Rally: આજે દિલ્હીમાં આ રસ્તાઓ પરથી પસાર થવાનું ટાળજો, ટ્રાફિક એડવાઇઝરી કરી જાહેર