તાજેતરમાં ચક્રવાતી વાવાઝોડાં અર્નબ અને મુરાસુએ આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તબાહી મચાવી હતી. ચક્રવાત અર્નબની અસર દિલ્હી-NCR સુધી જોવા મળી હતી. આ દરમિયાન બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે.

ભારતીય હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું છે કે આગામી થોડા કલાકોમાં દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર ક્ષેત્ર સર્જાઈ રહ્યું છે. એવું માનવામાં આવે છે કે 15 નવેમ્બર સુધીમાં તે વધુ તીવ્ર બની શકે છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સર્જાનારું આ લો પ્રેશર ક્ષેત્ર ચક્રવાતી વાવાઝોડામાં પણ ફેરવાઈ શકે છે. જો આવું થશે તો તેને 'અકવાન' નામ આપવામાં આવશે. આ વાવાઝોડાનું નામ ઈરાને આપ્યું છે.

માનવામાં આવે છે કે ચક્રવાતમાં ફેરવાયા બાદ અને વધુ તીવ્ર બન્યા પછી તે શ્રીલંકા તરફ આગળ વધી શકે છે. આવી સ્થિતિમાં તમિલનાડુમાં તેની ગંભીર અસર જોવા મળી શકે છે. વાવાઝોડાની શક્યતાને ધ્યાનમાં રાખીને તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.

અનેક રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા

IMDના તાજેતરના બુલેટિન અનુસાર, 13 અને 14 નવેમ્બરે તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત 15 અને 16 નવેમ્બરે તિરુનેલવેલી અને કન્યાકુમારી જિલ્લાના ઘાટ વિસ્તારોની સાથે દક્ષિણ તમિલનાડુ અને ડેલ્ટા જિલ્લાઓમાં પણ વરસાદ પડી શકે છે.

આ દરમિયાન દરિયાની સ્થિતિ અત્યંત ખરાબ રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને 15 અને 16 નવેમ્બરે દરિયામાં ન જવાની સલાહ આપી છે. આ ઉપરાંત, જે માછીમારો અગાઉથી જ ઊંડા દરિયામાં છે, તેમને વહેલી તકે દરિયાકિનારે પાછા ફરવા જણાવાયું છે.

માછીમારોની આજીવિકા પર અસર

અહેવાલો અનુસાર, વાવાઝોડાની શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારી પર લગાવવામાં આવેલા પ્રતિબંધની સીધી અસર માછીમારોની આજીવિકા પર થવા લાગી છે. વેમ્બારથી પેરિયાથાઝાઈ સુધીનાં દરિયાકાંઠાનાં ગામોમાં માછીમારીની કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે.

તૂતુકુડી ફિશિંગ હાર્બર અને દરિયાકિનારે 270થી વધુ યાંત્રિક બોટ, 2,000 પરંપરાગત હોડીઓ અને 5,000 ફાઇબર બોટ ઊભી રાખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે માછીમારી પર આ કડક પ્રતિબંધ તાજેતરમાં આવેલા 'ચક્રવાત મુરાસુ' બાદ લગાવવામાં આવ્યો છે. તે દરમિયાન ચેન્નાઈના કાસિમેડુના નવ માછીમારોએ જીવ ગુમાવ્યા હતા. તેમની હોડી પલટી જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.