દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ફરી એકવાર ખતરનાક સપાટીએ પહોંચી ગયું છે. સોમવારની સવારે રાજધાનીનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) વધી ને 371 નોંધાયો, જે ‘ખૂબ ખરાબ (Very Poor)’ શ્રેણીમાં આવે છે. શિયાળાની શરૂઆત સાથે જ દિલ્હીની હવા વધુ ઝેરી બનતી જાય છે, જેના કારણે લોકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ રહી છે.
આનંદ વિહાર, જહાંગીરપુરી, પટપડગંજ અને દ્વારકા જેવા વિસ્તારોમાં AQI 390થી પણ વધુ નોંધાયો
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) અનુસાર, આનંદ વિહાર, જહાંગીરપુરી, પટપડગંજ અને દ્વારકા જેવા વિસ્તારોમાં AQI 390થી પણ વધુ નોંધાયો છે, જ્યારે કેટલીક જગ્યાએ તે 400 પાર કરીને ‘ગંભીર (Severe)’ સ્તર સુધી પહોંચી ગયો છે. હવામાં PM2.5 અને PM10ના સ્તર ખતરનાક રીતે વધ્યા છે, જે શ્વાસની બીમારીઓનું મુખ્ય કારણ છે.
પ્રદૂષણ વધવાનું મુખ્ય કારણ છે પરાળી સળગાવવી
વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ, આ સમયગાળા દરમિયાન પ્રદૂષણ વધવાનું મુખ્ય કારણ છે પરાળી સળગાવવી, વાહનોમાંથી નીકળતો ધૂમાડો, બાંધકામની ધૂળ, અને ઠંડી હવાનો અભાવ જેના કારણે પ્રદૂષક તત્ત્વો વાતાવરણમાં ફસાઈ જાય છે. સાથે જ પવનની ધીમી ગતિ ચાલવાના કારણે ધુમ્મસની ચાદર છવાય છે.
સરકારે લોકોને કારણ વગર બહાર ન નીકળવાની અપીલ કરી
દિલ્હી સરકારે લોકોને કારણ વગર બહાર ન નીકળવાની અપીલ કરી છે, ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને દમ કે ફેફસાંની બીમારીઓથી પીડિતો માટે. સાથે જ બાંધકામ પર નિયંત્રણ, પાણીનું છંટકાવ, અને ડસ્ટ કન્ટ્રોલ ઝોન જેવા પગલાં લેવામાં આવી રહ્યા છે.
ડૉક્ટરોનું કહેવું છે કે આ સ્તરનું પ્રદૂષણ ઘણા સમય સુધી રહે તો મુશ્કેલી થાય
ડૉક્ટરોનું કહેવું છે કે આ સ્તરનું પ્રદૂષણ ઘણા સમય સુધી રહે તો આંખોમાં ખંજવાળ, ગળામાં દુખાવો, ખાંસી અને ફેફસાંના ચેપનો ખતરો વધી જાય છે. તેથી માસ્ક પહેરવું, ઘરમાં એર પ્યુરિફાયરનો ઉપયોગ કરવો, અને હવાની શુદ્ધતા વધારતા છોડ રાખવા જેવા ઉપાય જરૂરી બની ગયા છે.