દિવાળીના ઉત્સવની ઉજવણી સાથે જ દેશની રાજધાની દિલ્હી અને આસપાસના NCR (રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર) વિસ્તારોમાં હવાની ગુણવત્તા અત્યંત ખરાબ અને ઝેરી સ્તરે પહોંચી ગઈ છે. દિવાળીની રાત્રે મોટા પ્રમાણમાં ફોડવામાં આવેલા ફટાકડાના કારણે સમગ્ર દિલ્હી-NCR ધુમાડાની જાડી ચાદરમાં લપેટાઈ ગયું હતું. મોડી રાત્રે અને વહેલી સવારે હવામાં ઝેરી તત્વોનું પ્રમાણ એટલું વધી ગયું હતું કે ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 400 ની ઉપર એટલે કે 'ગંભીર' (Severe) શ્રેણીમાં નોંધાયો હતો. આના પરિણામે સ્થાનિક રહીશોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.

CPCB દ્વારા જાહેર કરાયા આંકડા

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા જાહેર કરવામાં આવેલા મોડી રાત્રે 1 વાગ્યાના ડેટા અનુસાર, સમગ્ર દિલ્હીનો સરેરાશ AQI 372 નોંધાયો હતો, જ્યારે રાજધાનીના મોટાભાગના વિસ્તારોમાં આ આંકડો 400 ને વટાવી ગયો હતો.
https://x.com/PTI_News/status/2119511919656939803?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2119511919656939803%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

દિલ્હીના વિવિધ વિસ્તારોની સ્થિતિ

દિલ્હીના મુખ્ય રહેણાંક અને વ્યાપારી વિસ્તારોમાં પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક સ્તરે પહોંચ્યું હતું. CPCB ના આંકડા મુજબ:

જહાંગીરપુરી: 447 AQI (સૌથી વધુ પ્રદૂષિત વિસ્તાર)

ઉત્તર કેમ્પસ: 445 AQI

વિવેક વિહાર: 442 AQI

રોહિણી: 442 AQI

બાવાના: 434 AQI

ચાંદની ચોક અને DTU: 430 AQI

પટપડગંજ: 421 AQI

પંજાબી બાગ: 416 AQI

અલીપુર: 413 AQI

ITO: 407 AQI

મુંડકા: 405 AQI

આ સિવાય દ્વારકા સેક્ટર-8 માં 393, નરેલીમાં 392, ઓખલા ફેઝ-2 માં 364, આયા નગર તથા બદરપુરમાં 352-354, અને IGI એરપોર્ટ ટર્મિનલ-3 પર 323 AQI નોંધાયો હતો.

નોઇડા અને ગાઝિયાબાદમાં પણ સ્થિતિ વણસી

દિલ્હી સિવાય અડીને આવેલા નોઇડા અને ગાઝિયાબાદ શહેરોમાં પણ હવાની ગુણવત્તા ખૂબ જ નબળી જોવા મળી હતી. નોઇડાના સેક્ટર 62 માં AQI 445 સુધી પહોંચી ગયો હતો, જે અત્યંત જોખમી માનવામાં આવે છે. આ ઉપરાંત નોઇડાના સેક્ટર 150 માં 315, સેક્ટર 1 માં 301 અને સેક્ટર 39 માં 301 AQI નોંધાયો હતો.ગાઝિયાબાદની વાત કરીએ તો, લોનીમાં AQI 390, વેવ સિટીમાં 378, ગોવિંદપુરમમાં 342, ઇન્દિરાપુરમમાં 317 અને વસુંધરામાં 300 નો AQI નોંધાયો હતો.

લોકોને શ્વાસ લેવામાં તકલીફ

દિવાળી પછી હવામાં ફેલાયેલા આ ઝેરી ધુમાડાને કારણે ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને શ્વાસની બીમારીથી પીડાતા દર્દીઓ માટે મોટી સ્વાસ્થ્ય સમસ્યા ઊભી થઈ છે. તબીબો દ્વારા લોકોને માસ્ક પહેરવા અને જરૂર વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ IMD Tomorrow Weather: 90 કિમી વાવાઝોડું અને ભારે બરફવર્ષા, 13 રાજ્યોમાં હવામાન વિભાગનું એલર્ટ