દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ સતત ચિંતાજનક બની રહી છે. સોમવારે પ્રદૂષણના સ્તરમાં મોટો ઉછાળો આવ્યા બાદ મંગળવારે તેમાં થોડો ઘટાડો નોંધાયો છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પ્રદૂષણમાં આ આંશિક રાહતનું મુખ્ય કારણ પવનની ગતિમાં આવેલો બદલાવ છે. જોકે, આ સુધારા છતાં દિલ્હીવાસીઓને ઝેરી હવામાંથી સંપૂર્ણ મુક્તિ મળી શકી નથી.
દિલ્હી વાયુ પ્રદુષણે ધારણ કર્યુ વિકરાળ સ્વરૂપ
શિયાળાની ઋતુ શરૂ થતાં જ દર વર્ષે દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સમસ્યા વિકરાળ રૂપ ધારણ કરે છે. આનું મુખ્ય કારણ પડોશી રાજ્યોમાં ખેડૂતો દ્વારા સળગાવવામાં આવતી પરાળી (પાકના અવશેષો) છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્થાનિક પ્રશાસન અને સરકાર દ્વારા વિવિધ વિસ્તારોમાં સતત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે તેમજ બાંધકામ પ્રવૃત્તિઓ પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, તેમ છતાં દિલ્હીમાં સરેરાશ વાયુ પ્રદૂષણનું સ્તર 307 નોંધાયું છે.
AQI ની વર્તમાન સ્થિતિ
અહેવાલો અને આંકડાઓ અનુસાર, નવી દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 414 પહોંચી ગયો છે, જે ભારતીય AQI ધોરણો મુજબ 'જોખમી' (Hazardous) શ્રેણીમાં આવે છે. દિલ્હીના દ્વારકા વિસ્તારમાં સ્થિતિ સૌથી વધુ ખરાબ છે, જ્યાં AQI 444 નોંધાયો છે. આ ઉપરાંત, મયુર વિહાર સ્ટેશન-4 પર AQI 388 નોંધાયો છે, જે 'ગંભીર' (Severe) શ્રેણી દર્શાવે છે.
દિવાળી બાદ સ્થિતિ વધુ વણસી
સોમવારે દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ એટલું વધી ગયું હતું કે સમગ્ર શહેરમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી. સ્થાનિક નિયમો અને પ્રતિબંધોને અણગણારીને લોકોએ દિવાળીની રાત્રે મોટા પ્રમાણમાં ફટાકડા ફોડ્યા હતા. દિવાળીની રાત્રે દિલ્હીના 59 પ્રદૂષણ ટેસ્ટિંગ સેન્ટરોમાંથી 20 કેન્દ્રો પર હવાની ગુણવત્તા 'ગંભીર', 33 પર 'ખૂબ જ નબળી' અને 6 કેન્દ્રો પર 'નબળી' નોંધાઈ હતી.
સ્વિસ એર ક્વોલિટી મોનિટરિંગ પ્લેટફોર્મ IQAir ના રિપોર્ટ અનુસાર, દિલ્હીમાં PM 2.5 નું સ્તર પ્રતિ ઘન મીટર 170 માઇક્રોગ્રામ પહોંચી ગયું હતું, જે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ની નિર્ધારિત સુરક્ષિત મર્યાદા કરતાં આશરે 34 ગણું વધારે છે.
આરોગ્ય પર અસર અને ડોક્ટરોની સલાહ
આ ઝેરી હવાને કારણે દિલ્હીવાસીઓના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં લોકોને માથાનો દુખાવો, સૂકી ઉધરસ તેમજ આંખો અને ગળામાં બળતરા જેવી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. આરોગ્ય નિષ્ણાતો અને ડોક્ટરોએ લોકોને ઘરની બહાર નીકળતી વખતે N95 માસ્ક પહેરવાની અને વાયુ પ્રદૂષણ ઘટાડવામાં યોગદાન આપવા માટે ખાનગી વાહનોને બદલે જાહેર પરિવહન (Public Transport) નો ઉપયોગ કરવાની ખાસ સલાહ આપી છે.
આ પણ વાંચોઃ China: તાઈયુઆનમાં બહુમાળી બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, 14 લોકોના મોત, 60થી વધુ લોકો સુરક્ષિત