આસામ વિધાનસભા ચૂંટણીના ગરમાવા વચ્ચે રાજકીય આક્ષેપબાજીએ હવે કાનૂની વળાંક લીધો છે. કોંગ્રેસ નેતા પવન ખેરા દ્વારા મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાના પરિવાર પર કરવામાં આવેલા ગંભીર આક્ષેપો બાદ આસામ પોલીસ એક્શન મોડમાં આવી છે. મંગળવારે આસામ પોલીસની એક ટીમ દિલ્હી પોલીસના સહયોગથી પવન ખેરાના નિવાસસ્થાને પહોંચી હતી, જોકે ખેરા તે સમયે ઘરે હાજર નહોતા.

 વિવાદનું મુખ્ય કારણ: ત્રણ પાસપોર્ટનો આક્ષેપ

તાજેતરમાં એક પત્રકાર પરિષદમાં પવન ખેરાએ દાવો કર્યો હતો કે મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાની પત્ની રિનિકી  ભૂઇયા  સરમા પાસે ત્રણ અલગ-અલગ દેશોના પાસપોર્ટ છે. ખેરાના જણાવ્યા અનુસાર, આ પાસપોર્ટ સંયુક્ત આરબ અમીરાત (UAE), એન્ટિગુઆ અને બાર્બુડા તેમજ ઇજિપ્તના છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે આ ત્રણેય પાસપોર્ટ આગામી વર્ષોમાં (2027 થી 2031 વચ્ચે) સમાપ્ત થવાના છે.

કોંગ્રેસના ત્રણ સવાલ અને સંપત્તિના આક્ષેપો

પવન ખેરા અને ગૌરવ ગોગોઈએ મુખ્યમંત્રી પાસે ત્રણ મુખ્ય પ્રશ્નોના જવાબ માંગ્યા છે:

  •  શું તેમની પત્ની કે પરિવાર પાસે દુબઈમાં કોઈ મિલકત છે?
  •  શું તેઓ અમેરિકાના વ્યોમિંગમાં કંપનીઓ ધરાવે છે?
  •  શું તેમની મૂડી શેલ કંપનીઓમાં રોકાયેલી છે?

કોંગ્રેસનો આરોપ છે કે મુખ્યમંત્રીએ પોતાના ચૂંટણી સોગંદનામામાં આ સંપત્તિઓનો ઉલ્લેખ કર્યો નથી. ગૌરવ ગોગોઈએ તો ત્યાં સુધી કહ્યું કે તેઓ ભગવદ ગીતા પર હાથ રાખીને કહી શકે છે કે તેમના પર લાગેલા વળતા આક્ષેપો ખોટા છે, શું મુખ્યમંત્રી આવું કરી શકશે?

હિમંત બિસ્વા સરમાની પ્રતિક્રિયા અને કાનૂની કાર્યવાહી

આ આક્ષેપોને સદંતર નકારી કાઢતા મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ તેને "પાયાવિહોણા અને ખોટા" ગણાવ્યા છે. તેમની પત્ની રિંકી ભૂઇયા સરમાએ પવન ખેરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સરમાએ સ્પષ્ટ કર્યું કે તેઓ આ મામલે કાનૂની લડત લડશે કારણ કે આ તેમની અને તેમના પરિવારની છબી ખરડવાનો પ્રયાસ છે.

https://twitter.com/ANI/status/2041410494964318214

ચૂંટણી પ્રચારમાં ગરમાવો

આસામમાં 9 એપ્રિલે મતદાન થવાનું છે, ત્યારે મતદાનના ગણતરીના દિવસો પહેલા જ દિલ્હી સુધી પહોંચેલી આ પોલીસ તપાસે રાજકીય માહોલને વધુ ઉગ્ર બનાવી દીધો છે. કોંગ્રેસ તેને લોકશાહીનો અવાજ દબાવવાનો પ્રયાસ ગણાવી રહી છે, જ્યારે ભાજપ તેને કાયદાકીય પ્રક્રિયાનો ભાગ ગણાવી રહી છે. હાલમાં પવન ખેરા શહેરની બહાર હોવાથી પોલીસ તેમની શોધ કરી રહી છે.