Delhi: ફરી એકવાર દિલ્હીની ઘણી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. પોલીસ હાલ આ અંગે તપાસ કરી રહી છે. મળતી માહિતી અનુસાર આજે બપોરે એક ઇ-મેઇલ આવ્યો જેમાં લાલ કિલ્લો અને દિલ્હીના મેયરના કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જોકે, પોલીસે હાલમાં આ ધમકીઓને ખોટી ગણાવીને ફગાવી દીધી છે.  

સોમવારે દિલ્હીની ઘણી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા સંદેશા મળ્યા હતા. આ ધમકીઓએ શાળા વહીવટીતંત્ર અને સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચાવ્યો હતો. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે તમામ સુરક્ષા પ્રોટોકોલનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે અને ધમકી આપવામાં આવેલા શાળા પરિસરની સંપૂર્ણ તપાસ ચાલી રહી છે.

વર્ગખંડો અને શૌચાલયોની શોધખોળ

પોલીસ, સ્થાનિક વહીવટીતંત્ર અને શાળા સુરક્ષા ટીમો વર્ગખંડો, શૌચાલય અને આસપાસના વિસ્તારો સહિત સમગ્ર પરિસરમાં તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી તપાસમાં કંઈપણ શંકાસ્પદ કે વિસ્ફોટક મળ્યું નથી. અધિકારીઓએ વાલીઓને અફવાઓ પર ધ્યાન ન આપવા અને ફક્ત સત્તાવાર માહિતી પર આધાર રાખવાની અપીલ કરી છે. તેમજ હાલ તપાસ ચાલુ છે.

પોલીસ એક્શનમોડમાં...

આ દરમિયાન મેયર ઓફિસ અને એમસીડીના સત્તાવાર ઇમેઇલ આઈડી પર મેયર ઓફિસ અને લાલ કિલ્લાને લક્ષ્ય બનાવતો ધમકીભર્યો ઇમેઇલ મળ્યો હતો. મોકલનાર વ્યક્તિએ ખાલિસ્તાન નેશનલ આર્મી (કેએનએ) સાથે સંકળાયેલો આતંકવાદી હોવાનો દાવો કર્યો હતો. ઇમેઇલ મળતાં જ બંને સરકારી ઇમારતોની સુરક્ષા વધારી દેવામાં આવી હતી અને પોલીસે આ સ્થળોએ પણ સઘન સુરક્ષા તપાસ શરૂ કરી દીધી છે.

શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે માહિતી માટે પોલીસ અપીલ

સ્વતંત્રતા દિવસ (૧15 ઓગસ્ટ) પહેલા દિલ્હીભરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ વિભાગે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને જો તેમને કંઈપણ શંકાસ્પદ લાગે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી છે.


આ પણ વાંચો: Heavy Rain: કેરલમમાં ભારે વરસાદથી ચારેકોર તબાહી જ તબાહી, 15 લોકોના મોત, એલર્ટ પર NDRF અને સેનાના જવાન