નવી દિલ્હીમાં યોજાઈ રહેલી BRICS Summit 2026 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિનપિંગે ભારત અને ચીન વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે બ્રિક્સને વધુ અસરકારક રીતે આગળ વધારવા માટે ભારત અને ચીનનું સાથે મળીને કામ કરવું જરૂરી છે.
જિનપિંગનું મોટું નિવેદન—બંને દેશો એકબીજાથી શીખે
ચીનના રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત અને ચીન એકબીજાની શક્તિઓમાંથી ઘણું શીખી શકે છે. બંને દેશો અલગ હોવા છતાં પરસ્પર સહયોગ અને સમર્થનથી સંયુક્ત વિકાસ હાંસલ કરી શકે છે. તેમણે ભારત અને ચીનને વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો તેમજ ‘ગ્લોબલ સાઉથ’ના મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યા હતા. જિનપિંગે બંને દેશો વચ્ચેના સંબંધોને વ્યૂહાત્મક અને લાંબા ગાળાના દૃષ્ટિકોણથી જોવાની વાત પણ કરી હતી.
મોદીએ ચીનના સહયોગ બદલ વ્યક્ત કર્યો આભાર
વડાપ્રધાન મોદીએ બ્રિક્સ અધ્યક્ષપદ દરમિયાન ચીન તરફથી મળેલા સહયોગ અને સમર્થન બદલ જિનપિંગનો આભાર માન્યો હતો. મોદીએ કહ્યું કે બંને નેતાઓને દ્વિપક્ષીય સહયોગ અંગે ચર્ચા કરવાની ફરી તક મળી છે અને તેમણે જિનપિંગનું ભારતમાં સ્વાગત કર્યું હતું.
સરહદે શાંતિ જાળવવા મોદીએ આપ્યો સ્પષ્ટ સંદેશ
વિદેશ મંત્રાલયના નિવેદન મુજબ, મોદીએ સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે મતભેદોને વિવાદમાં ફેરવવા ન જોઈએ. ભારત-ચીન સંબંધો પરસ્પર સન્માન, પરસ્પર સંવેદનશીલતા અને પરસ્પર હિતના ત્રણ આધારસ્તંભો પર આગળ વધવા જોઈએ.
જિનપિંગની આ પ્રથમ ભારત મુલાકાત
ગલવાન અથડામણ બાદ જિનપિંગની આ પ્રથમ ભારત મુલાકાત છે. તણાવપૂર્ણ સંબંધો વચ્ચે બંને દેશો ફરીથી સંવાદ અને સહયોગ વધારવાના પ્રયાસો કરી રહ્યા છે.
આ પણ વાંચો : Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’