દિલ્હીના ચાવડી બજારમાં અંડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ ધરાશાયી થતાં 2 લોકોનાં મોતના મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ દુર્ઘટનામાં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે MCDની બેદરકારીના આક્ષેપો થઈ રહ્યા છે. હૌજ કાઝી પોલીસ સ્ટેશનના SHOએ 15 જૂન 2026ના રોજ MCDના સિટી SP ઝોનના ડેપ્યુટી કમિશનરને પત્ર લખીને ગલી શીશ મહેલ, અજમેરી ગેટ સ્થિત પ્રોપર્ટી નંબર 4547-48માં મંજૂરી વગર બાંધકામ થતું હોવાની જાણ કરી હતી. આ મિલકત આશરે 70 ચોરસ યાર્ડ વિસ્તારમાં આવેલી છે. પોલીસના પત્રમાં ફુરકાન નામના વ્યક્તિને મિલકતનો માલિક અને કોન્ટ્રાક્ટર ગણાવીને જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરાઈ હતી. જોકે, આ ચેતવણી બાદ પણ ગેરકાયદે બાંધકામ અટક્યું નહીં હોવાના સવાલો ઊભા થયા છે.
રિપેરની સલાહને નવી ઇમારત બનાવવાનું બહાનું બનાવ્યાનો આક્ષેપ
MCDએ પોલીસના પત્રના જવાબમાં જણાવ્યું કે 28 એપ્રિલ 2026ના રોજ જૂની દિલ્હીના મેન્ટેનન્સ વિભાગે બિલ્ડિંગની નબળી સ્થિતિ અંગે માલિક સમીઉલ્લાહને એડવાઈઝરી આપી હતી. તેમાં લાયકાત ધરાવતા સ્ટ્રક્ચરલ એન્જિનિયરની દેખરેખ હેઠળ બિલ્ડિંગના નિયમો મુજબ જરૂરી સમારકામ કરાવવાની સલાહ અપાઈ હતી, નવી ઇમારત બાંધવાની મંજૂરી આપવામાં આવી નહોતી. MCDના જણાવ્યા મુજબ, તપાસ દરમિયાન માલિક સમારકામ કરાવતો જોવા મળ્યો હતો અને ત્યારબાદ નવા બાંધકામ અંગે કોઈ ફરિયાદ મળી નહોતી. જોકે, MCDનો આક્ષેપ છે કે સમારકામની આડમાં માલિકે બીજી અને ત્રીજી માળનું બાંધકામ કરી નાખ્યું હતું. ત્રીજા માળનું છતનું બાંધકામ હટાવતી વખતે અધૂરી રચના ધરાશાયી થઈ અને આખી ઇમારત તૂટી પડી હતી.
