દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે જોડાયેલા એક અતિ સંવેદનશીલ જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કરીને એક દંપતીની ધરપકડ કરી છે. દિલ્હીના રહેવાસી સાહિલ અને તેની પત્ની સમીરાની જાસૂસીના ગંભીર આરોપો હેઠળ અટકાયત કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ કપલ વર્ષ 2024 થી પાકિસ્તાનમાં બેઠેલા ગુપ્તચર અધિકારીઓના સીધા સંપર્કમાં હતું અને ભારતની સુરક્ષા સંબંધિત ગુપ્ત માહિતી સરહદ પાર પહોંચાડી રહ્યું હતું.
દુબઈના રસ્તે પાકિસ્તાન મોકલ્યા 8 ભારતીય સિમ કાર્ડ
તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સાહિલ અને સમીરાએ 2024 થી 2025 વચ્ચે ચાલકીપૂર્વક 8 ભારતીય સિમ કાર્ડ મેળવ્યા હતા. આ સિમ કાર્ડ્સને દિલ્હીથી સીધા પાકિસ્તાન મોકલવાને બદલે શંકા ન જાય તે માટે દુબઈના રસ્તે કરાચી અને ઇસ્લામાબાદ પહોંચાડવામાં આવ્યા હતા. આ કામ માટે પાકિસ્તાની હેન્ડલરે દંપતીને 30,000 રૂપિયા ચૂકવ્યા હતા.
વ્હોટ્સએપ મારફતે ભારતીય ગ્રૂપ્સમાં ઘૂસણખોરીનો પ્રયાસ
પાકિસ્તાની હેન્ડલર્સે આ ભારતીય સિમ કાર્ડ્સનો ઉપયોગ કરીને પાકિસ્તાનમાં જ વ્હોટ્સએપ એકાઉન્ટ એક્ટિવ કર્યા હતા. આ એકાઉન્ટ્સ મારફતે પાકિસ્તાની એજન્ટો ભારતના સામાન્ય નાગરિકો અને અધિકારીઓ સાથે સંપર્ક સાધીને સંવેદનશીલ માહિતી એકઠી કરતા હતા. એટલું જ નહીં, આ નંબરથી ભારતના કેટલાક મહત્વના વ્હોટ્સએપ ગ્રૂપ્સમાં પણ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર કમ્યુનિકેશન સોશિયલ મીડિયા અને એન્ક્રિપ્ટેડ પ્લેટફોર્મ દ્વારા થતું હતું.
લશ્કરી વિસ્તારોની રેકી અને કોર્ટ માર્શલનો ડેટા લીક
સાહિલને ભારતના વિવિધ ભાગોમાં આવેલા સૈન્ય વિસ્તારોની રેકી કરવાની જવાબદારી આપવામાં આવી હતી. આ ઉપરાંત, તેને ભારતમાં નવા જાસૂસો અને ફિલ્ડ ઓપરેટરોની ભરતી કરવાનું કામ પણ સોંપાયું હતું. સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, સાહિલે ટ્રિબ્યુનલ સમક્ષ કોર્ટ માર્શલની કાર્યવાહીનો સામનો કરી રહેલા ભારતીય સેનાના જવાનોની ગુપ્ત માહિતી પણ પાકિસ્તાની હેન્ડલરને આપી હતી.
કોણ છે જાસૂસીના આરોપમાં પકડાયેલું દંપતી?
સાહિલ (25): 2001માં જન્મેલા સાહિલે IGNOU માંથી BAનો અભ્યાસ કર્યો છે. તે એક વકીલ સાથે કામ કરી ચૂક્યો છે અને LLB કરવાની યોજના બનાવી રહ્યો હતો. તેણે જૂન 2025માં નોકરી છોડી દીધી હતી અને ત્યારથી તે બેરોજગાર હતો.
સમીરા (21): 2005માં જન્મેલી સમીરાએ કેશવ પુરમની કન્યા વિદ્યાલયમાંથી 12th સુધી અભ્યાસ કર્યા બાદ કોરેસ્પોન્ડન્સથી BA કર્યું છે. ધરપકડ પહેલાં તે નોઇડાના એક કોલ સેન્ટરમાં કામ કરતી હતી.
આંતકી નેટવર્કની બાતમીથી શરૂ થઈ તપાસ
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને ચોક્કસ માહિતી મળી હતી કે, કેટલાક આતંકવાદી સંગઠનો, ઓવરગ્રાઉન્ડ વર્કર્સ અને સ્લીપર સેલને સ્થાનિક સ્તરે લોજિસ્ટિક મદદ પૂરી પાડવામાં આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે તપાસ શરૂ કરી, ત્યારે સ્થાનિક સ્તરે સિમ કાર્ડ પૂરા પાડતા આ કપલના તાર ISI સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું. આ ધરપકડથી પાકિસ્તાની જાસૂસી નેટવર્કના અન્ય સભ્યો સુધી પહોંચવામાં મોટી સફળતા મળવાની શક્યતા છે.
આ પણ વાંચો - Nepal: ચીનમાં ભૂકંપ બાદ તિબેટમાં વધુ એક તળાવ તૂટ્યું, નેપાળમાં ફરી પૂરનો ખતરો; દેશભરમાં એલર્ટ