દેશની રાજધાની દિલ્હીમાં આ વખતે જનતા જનાર્દન માટે યમુના નદીના કિનારે છઠ પૂજાનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે જેની જાહેરાત દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કરી છે.


યમુના નદીના કિનારે 17 આધુનિક ઘાટ

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ છઠ પૂજા અંગે જે જાહેરાત કરી છે એ જોતાં દિલ્હી સરકાર આ વખતે વોટ બેંકને ખેંચવા માટે કોઈ કસર છોડશે નહીં એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ દિલ્હીમાં જેમ દિવાળી ભવ્યતાથી ઉજવવામાં આવી હતી, તેવી જ રીતે છઠ પૂજા પણ ભવ્યતાથી ઉજવવામાં આવશે અને એટલા માટે આ વર્ષે યમુના નદીના કિનારે સરકારના આદેશથી 17 આધુનિક ઘાટ બનાવવામાં આવશે અને 1,000 થી વધુ સ્થળોએ છઠ પૂજા ઉજવવામાં આવશે.

પુષ્પ વર્ષાથી લઈને ચા-પાણી સુધીની ખાસ વ્યવસ્થા

રેખા ગુપ્તાએ છઠ પૂજા અંગે વિગતવાર માહિતી આપતા કહ્યું કે છઠ પૂજા દરમિયાન પૂજાના સ્થળે લોકોને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થાય એનું ધ્યાન રાખવામાં આવશે અને સાથે સાથે પૂજા સ્થળ પર લોકોની વ્યવસ્થા સાચવવા માટે પુષ્પ વર્ષાથી લઈને ચા-પાણી સુધીની ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં છઠ પૂજા સ્થળોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે. ગયા વર્ષે, છઠ પૂજાના કાર્યક્રમો 929 સ્થળોએ યોજાયા હતા, જ્યારે આ વખતે, 1,000 થી વધુ અરજીઓ પ્રાપ્ત થઈ છે.

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મોટું આયોજન

નિષ્ણાતોના મત મુજબ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા તરફથી છઠ ભક્તો માટે દેખાડવામાં આવી રહેલી આ ઉદારતા એ આગામી બિહાર વિધાનસભા ચૂંટણીમાં વોટ બેંકને આકર્ષિત કરવા માટેનો એક પોજીટીવ પ્રયત્ન પણ હોઇ શકે છે જેનાથી છઠ ભક્તો માટે ખાસ વ્યવસ્થા પણ થઈ જાય અને વૉટરને પણ ફેવરમાં લઈ શકાય. રેખા ગુપ્તાએ જણાવ્યું કે તેમની સરકાર આ ભવ્ય તહેવાર માટે ખાસ વ્યવસ્થા કરશે કેમકે છઠ પૂજા બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશ માટે વિશેષ મહત્વ ધરાવે છે. 

  • Follow us on: