દિલ્હીના માલવીયા નગર વિસ્તારમાં બુધવારે સવારે Flourish Stay Hotelમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા છે, જ્યારે 37 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. મૃતકોમાં 6 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે, જેઓ લાઈબેરિયા, નાઈજીરિયા, મોઝામ્બિક અને બાંગ્લાદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અન્ય 15 મૃતકોમાંથી 9 ભારતીય છે, જ્યારે 6 લોકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.
3 હોટલ ચલાવે છે માલિક
માહિતી અનુસાર સવારે લગભગ 8:50 વાગ્યે હોટલના બેઝમેન્ટમાં આવેલી રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી. થોડા જ સમયમાં આગે સમગ્ર બિલ્ડિંગને પોતાની ઝપેટમાં લઈ લીધી અને નજીક આવેલી અન્ય હોટલ સુધી ફેલાઈ ગઈ. ઘટનાની જાણ થતાં જ દિલ્હી ફાયર સર્વિસની ટીમો, ફાયર ટેન્ડર, વોટર બાઉઝર, ક્વિક રિસ્પોન્સ વાહનો અને રેસ્ક્યૂ દળો સ્થળ પર પહોંચી ગયા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હોટલના બેઝમેન્ટમાં ચાલતી રેસ્ટોરન્ટ સંપૂર્ણપણે ગેરકાયદેસર હતી. રેસ્ટોરન્ટના માલિક લોકેશ બજાજ ઉર્ફે ટિંકૂ પાસે રેસ્ટોરન્ટ ચલાવવા માટે જરૂરી લાઇસન્સ નહોતું. પોલીસે તેની ધરપકડ માટે અનેક સ્થળોએ દરોડા શરૂ કર્યા છે. મળતી માહિતી મુજબ લોકેશ બજાજ માલવીયા નગર વિસ્તારમાં ત્રણ હોટલો ચલાવે છે.
