કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાના પુત્ર રેહાન વાડ્રા દ્વારા દિલ્હીમાં આયોજિત ફોટો પ્રદર્શનને લઈને વિવાદ સર્જાયો છે. રેહાને આરોપ લગાવ્યો છે કે દિલ્હીમાં આવેલા 'બીકાનેર હાઉસ'ના સંચાલકોએ તેમને પ્રદર્શનમાંથી અમુક તસવીરો હટાવવા કહ્યું હતું. જેમાં ભારતીય ત્રિરંગાની તસવીરોનો પણ સમાવેશ થાય છે.
પુત્ર રેહાન વાડ્રાના ફોટો એક્ઝિબિશનને લઇને વિવાદ
સંચાલકોએ આ તસવીરોને "વાંધાજનક" ગણાવી હતી કારણ કે તેમાં દિલ્હીમાં થયેલા વિરોધ પ્રદર્શનોના દ્રશ્યો હતા. આ વિવાદ વચ્ચે પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને પોતાના પુત્રને સમર્થન આપ્યું છે.
પ્રિયંકા ગાંધીએ લખ્યું કે જ્યારે સત્તામાં રહેલી વ્યક્તિ અન્ય કોઈની અભિવ્યક્તિથી ડરવા લાગે છે, ત્યારે તેઓ એ સમજવામાં નિષ્ફળ જાય છે કે જે સત્તાને તેઓ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તે તો તેઓ પહેલેથી જ ગુમાવી ચૂક્યા છે. તું સત્યની સાથે ઊભો રહે, અને જે કંઈ પણ સુંદર છે તે પોતાનો રસ્તો શોધી જ લેશે. મને તારા પર ગર્વ છે, અને હંમેશા રહેશે."
આ પહેલાં, રેહાનના પિતા અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાએ પણ પોતાના પુત્રની પોસ્ટ શેર કરી હતી. આ દરમિયાન કોંગ્રેસના રાજ્યસભા સાંસદ પવન ખેડાએ આ મુદ્દે સરકાર પર નિશાન સાધતા કહ્યું કે જો સેન્સરશિપથી ત્રિરંગો પણ સુરક્ષિત ન હોય, તો સમસ્યા કળામાં નથી, પરંતુ વ્યવસ્થામાં જ છે. ખેડાના જણાવ્યા અનુસાર, પ્રદર્શનમાંથી લગભગ 74 કલાકૃતિઓ હટાવી દેવામાં આવી હતી, જેમાંથી અડધા જેટલી કૃતિઓને "રાજકીય" ગણાવવામાં આવી હતી.
શું છે સમગ્ર વિવાદ ?
બુધવારે, રેહાન વાડ્રાએ આક્ષેપ કર્યો હતો કે 'નો આઈડિયા ઈઝ ફાઈનલ' (No Idea Is Final) નામના તેમના પ્રદર્શનમાં મૂકવામાં આવેલા ફોટોગ્રાફ્સ જેમાં દિલ્હીમાં યુવા પ્રદર્શનકારીઓને દર્શાવવામાં આવ્યા હતા તેના પર બિકાનેર હાઉસના મેનેજમેન્ટે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે વધુમાં દાવો કર્યો હતો કે તેમને એવા બે ફોટોગ્રાફ્સ હટાવવાનું કહેવામાં આવ્યું હતું જેમાં ત્રિરંગો (ભારતીય રાષ્ટ્રધ્વજ) દેખાતો હતો.
https://x.com/priyankagandhi/status/2113128642964234345?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2113128642964234345%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
રેહાનના જણાવ્યા અનુસાર, તેમણે રાષ્ટ્રધ્વજવાળા ફોટોગ્રાફ્સ હટાવવાનો ઇનકાર કરી દીધો હતો. પરિણામે, હાલ પૂરતું આ પ્રદર્શન મર્યાદિત સ્વરૂપે યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યારે વિરોધ પ્રદર્શનો સાથે સંબંધિત ફોટોગ્રાફ્સના સંપૂર્ણ સંગ્રહને પ્રદર્શિત કરવા માટે અન્ય કોઈ વૈકલ્પિક સ્થળ શોધવામાં આવી રહ્યું છે.
'નો આઈડિયા ઈઝ ફાઈનલ' પ્રદર્શન 22 ઓક્ટોબરે સાંજે 7 વાગ્યે શરૂ થવાનું હતું. નોંધનીય છે કે, ઉપલબ્ધ માહિતીમાં ફોટોગ્રાફ્સ અંગે વાંધો ઉઠાવવાના આક્ષેપો પર બિકાનેર હાઉસના મેનેજમેન્ટનો પક્ષ કે દ્રષ્ટિકોણ સામેલ નથી.
રેહાન વાડ્રા કોણ છે?
રેહાન રાજીવ વાડ્રા એ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાના પુત્ર છે. 25 વર્ષીય રેહાને રાજકારણને બદલે ફોટોગ્રાફી અને વિઝ્યુઅલ આર્ટ્સ (દ્રશ્ય કળા)ની દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવવાનું પસંદ કર્યું છે.
રેહાનને બાળપણથી જ ફોટોગ્રાફીમાં રસ હતો. એવું કહેવાય છે કે જ્યારે તેઓ સાત વર્ષના હતા, ત્યારે પ્રિયંકા ગાંધીએ તેમને કૌટુંબિક પ્રવાસો દરમિયાન ઉપયોગ કરવા માટે એક કેમેરો આપ્યો હતો. વન્યજીવન અને જંગલોની તસવીરો લેવાની શરૂઆત સાથે આ કળામાં તેમનો રસ વધતો ગયો. તેમણે ઉત્તરાખંડમાં જિમ કોર્બેટ નેશનલ પાર્ક અને રાજસ્થાનમાં રણથંભોર નેશનલ પાર્કની મુલાકાત દરમિયાન પણ ફોટોગ્રાફ્સ લીધા હતા.
વર્ષ 2017માં, શાળાના અભ્યાસના છેલ્લા વર્ષ દરમિયાન, ક્રિકેટ રમતી વખતે થયેલી ઈજાને કારણે રેહાને તેમની ડાબી આંખની દ્રષ્ટિ ગુમાવી દીધી હતી. આ ઈજાને કારણે તેમણે લગભગ બે વર્ષ સુધી ફોટોગ્રાફીથી દૂર રહેવું પડ્યું હતું, જોકે બાદમાં તેમણે ફરીથી આ ક્ષેત્રમાં વાપસી કરી હતી.