દિલ્હી જલ બોર્ડ (DJB) સાથે જોડાયેલા ટેન્ડરમાં કથિત ગેરરીતિ અને ભ્રષ્ટાચારના કેસમાં દિલ્હી સરકારની એન્ટી કરપ્શન બ્રાન્ચ (ACB)એ મોટી કાર્યવાહી કરી છે. ACBએ મંગળવારે પૂર્વ દિલ્હી મંત્રી સત્યેન્દ્ર જૈન, દિલ્હી જલ બોર્ડના પૂર્વ CEO અને IAS અધિકારી ઉદિત પ્રકાશ રાય સહિત કુલ 6 લોકોની ધરપકડ કરી છે. આ કેસ દિલ્હી જલ બોર્ડના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)ના અપગ્રેડેશન અને ક્ષમતા વધારવા સાથે જોડાયેલા ટેન્ડરનો છે.
તપાસમાં પાઈલટ સ્ટડી ન કરાવવામાં આવી હોવાનો પણ દાવો
ધરપકડ કરાયેલા અન્ય આરોપીઓમાં DJBના પૂર્વ કોન્ટ્રાક્ચ્યુઅલ કન્સલ્ટન્ટ અંકિત શ્રીવાસ્તવ, AN Enterprisesના માલિક નાગેન્દ્ર યાદવ, Euroteck Environment Pvt. Ltd.ના માલિક રાજા કુમાર કુર્રા અને Srijanharના પ્રોપ્રાઇટર પંકજ વર્માનો સમાવેશ થાય છે. ACBના જણાવ્યા અનુસાર, ટેન્ડરની શરતોમાં કથિત રીતે એવી રીતે ફેરફાર કરવામાં આવ્યો હતો કે ચોક્કસ ટેક્નોલોજી અને કંપનીને ફાયદો મળી શકે અને અન્ય કંપનીઓ વચ્ચેની સ્પર્ધા મર્યાદિત થઈ જાય. તપાસમાં પ્રસ્તાવિત પાઈલટ સ્ટડી ન કરાવવામાં આવી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
