દિલ્હીના જંતર-મંતર પર વિદ્યાર્થીઓ અને યુવાનોનું ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના નામથી ચાલી રહેલું આંદોલન સતત ચાલુ છે. 20 જુલાઈના રોજ આયોજિત ‘ચલો પાર્લામેન્ટ’ માર્ચ દરમિયાન હજારો વિદ્યાર્થીઓ અને યુવાનો સંસદ તરફ આગળ વધવાનો પ્રયાસ કરતા દિલ્હી પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે બેરિકેડિંગ, લાઠીચાર્જ અને આંસુ ગેસનો ઉપયોગ કર્યો હતો. આ ઘટનામાં કેટલાક પ્રદર્શનકારીઓ અને પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા.

https://twitter.com/ANI/status/2080292960328118601

પ્રદર્શનકારીઓ જંતર-મંતર પર પરત ફર્યા 

પ્રદર્શનકારીઓના ટેન્ટ હટાવવામાં આવ્યા હોવા છતાં તેઓ ફરી જંતર-મંતર પર પરત ફર્યા હતા અને વરસાદ વચ્ચે પણ ધરણા ચાલુ રાખ્યા છે. જાણીતા સામાજિક કાર્યકર સોનમ વાંગચુક હોસ્પિટલમાં દાખલ હોવા છતાં ભૂખ હડતાળ પર છે. પ્રદર્શનકારીઓ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરી રહ્યા છે. હવે આ આંદોલન દિલ્હી બહાર પણ ફેલાઈ રહ્યું છે. મુંબઈ, બેંગલુરુ અને કોલકાતા જેવા મોટા શહેરોમાં પણ વિદ્યાર્થીઓ અને યુવાનો વિરોધ પ્રદર્શનમાં જોડાઈ રહ્યા છે. આંદોલનમાં મુખ્યત્વે ‘GEN-Z’ અને વિદ્યાર્થીઓ સામેલ છે, જે શિક્ષણ વ્યવસ્થાની ખામીઓ, બેરોજગારી અને પોતાના ભવિષ્યને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

વિદ્યાર્થીઓની માગોને લઈને રાજકીય માહોલ પણ ગરમાયો

CJPના સ્થાપક અભિજીત દીપકેએ જણાવ્યું છે કે આ આંદોલન અનિશ્ચિત સમય સુધી ચાલુ રહેશે. વિદ્યાર્થીઓની માગોને લઈને રાજકીય માહોલ પણ ગરમાયો છે. કોંગ્રેસ સહિત ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ વિદ્યાર્થીઓના આંદોલનને સમર્થન આપ્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓના મુદ્દાઓને લઈને વિપક્ષ તેમની સાથે ઉભો છે. તેમણે NEET પરીક્ષા સહિતના મુદ્દાઓ પર સરકારને ઘેરી છે અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગનું સમર્થન કર્યું છે.

આ દરમિયાન, જંતર-મંતર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. જંતર-મંતરના 1.5 કિલોમીટરના વિસ્તારમાં સાંજે 4 વાગ્યાથી મધરાત 12 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવા સ્થગિત રહેશે. તંત્ર દ્વારા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે.

આ પણ વાંચો :  Railway: ભારે વરસાદને કારણે રેલવે વ્યવસ્થા પ્રભાવિત, 4 ટ્રેન કરાઇ રદ્દ તો અનેક ટ્રેનોના રૂટ બદલાયા