દિલ્હીના સાકેત વિસ્તારમાં શનિવારે સાંજે એક દુર્ઘટનાજનક ઘટના બની. અહીં એક પાંચ માળની ઇમારત અચાનક ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. ઘટનામાં અનેક લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
4થી 5 લોકોને કાટમાળમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા
મળતી માહિતી મુજબ સાંજે લગભગ 7:45 વાગ્યે ફાયર વિભાગને ઈમારત ધરાશાયી થવાની જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ દિલ્હી પોલીસ, ફાયર બ્રિગેડ, સ્થાનિક પ્રશાસન અને મેડિકલ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બચાવ કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં 4થી 5 લોકોને કાટમાળમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. તમામ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની શક્યતા હોવાથી રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલુ રાખવામાં આવ્યું છે.
ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઈમારત અચાનક ધરાશાયી થતાં આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસે સુરક્ષાના ભાગરૂપે આસપાસના વિસ્તારોને ખાલી કરાવવાનું શરૂ કર્યું છે અને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, એક જર્જરિત ઈમારત નજીકની રહેણાંક ઈમારત પર તૂટી પડી હતી, જેના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે હાલ બચાવ કામગીરીને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને તમામ સંભવિત ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : Biharમાં સરકારી આવાસ પર રાજકારણ ગરમાયું: રાબડી દેવીના બંગલે પોલીસ બંદોબસ્ત અને 15 દિવસનું અલ્ટીમેટમ
આ પણ વાંચો : Biharમાં સરકારી આવાસ પર રાજકારણ ગરમાયું: રાબડી દેવીના બંગલે પોલીસ બંદોબસ્ત અને 15 દિવસનું અલ્ટીમેટમ
