દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર એક કાર અને એક અજાણ્યા વાહન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે આ અકસ્માત એક્સપ્રેસ વેના ચેનેજ નંબર 194 નજીક થયો હતો, જે પાપડા અને નાંગલ રાજાવતન પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં આવે છે.
મહાકાલના દર્શનેથી આવતા નડ્યો કાળ
મળતી માહિતી મુજબ કારમાં રહેલા 5 લોકો મહાકાલના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની. ટક્કર એટલી જબરદસ્ત હતી કે 4 લોકોના ત્યાં જ મોત થઇ ગયા. પોલીસે જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે હરિયાણા રજીસ્ટ્રેશન નંબરવાળી કારમાં પાંચ લોકો મુસાફરી કરી રહ્યા હતા. તેઓ ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કરીને નોઇડા પરત ફરી રહ્યા હતા ત્યારે ઝડપી ગતિએ આવતી કાર અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી.
મૃતકોની હજી નથી થઇ ઓળખ
ટક્કર એટલી ગંભીર હતી કે કારને ભારે નુકસાન થયું હતું. એકમાત્ર ઘાયલ યુવકે પોલીસને જણાવ્યું હતું કે અકસ્માત પછી ટ્રક ચાલકે કારને ઘણા કિલોમીટર સુધી ખેંચી હતી, જેનાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ હતી. અકસ્માતની માહિતી મળતાં, પાપડા અને નાંગલ રાજાવતન પોલીસ સ્ટેશનની પોલીસે તાત્કાલિક ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોની હજુ સુધી સત્તાવાર રીતે ઓળખ થઈ નથી, પરંતુ તેઓ હરિયાણાના રહેવાસી હોવાનું માનવામાં આવે છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.