દિલ્હી-NCRમાં હવાની ગુણવત્તામાં સુધારો થતાં GRAP-3 હેઠળ લાગુ કરાયેલા પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે. એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન (CAQM)ની GRAP સબ-કમિટીએ હવામાં પ્રદૂષણના સ્તરમાં સતત ઘટાડો થતો હોવાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. મંગળવારે દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 204 નોંધાયો હતો. જોકે, GRAP-1 અને GRAP-2 હેઠળના પ્રતિબંધો અને નિયંત્રણો યથાવત્ રહેશે.

આ પહેલાં દિલ્હી-NCRમાં વધતા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને CAQMએ સાવચેતીના પગલા તરીકે GRAP-3 લાગુ કર્યો હતો. તેના કારણે વાહનોની અવરજવર, બાંધકામ અને અન્ય પ્રદૂષણ ફેલાવતી પ્રવૃત્તિઓ પર નિયંત્રણો મૂકવામાં આવ્યાં હતાં.

કયા વાહનો પર પ્રતિબંધ હતો?

GRAP-3 દરમિયાન BS-III અથવા તેનાથી જૂનાં પેટ્રોલ વાહનો અને BS-IV અથવા તેનાથી જૂનાં ડીઝલ વાહનોને દિલ્હીમાં ચલાવવા પર પ્રતિબંધ મૂકાયો હતો. આ નિયમ દિલ્હી બહારથી આવતાં વાહનોને પણ લાગુ પડતો હતો. ડીઝલથી ચાલતાં ભારે વાહનો અને હળવાં કોમર્શિયલ વાહનો પર પણ નિયંત્રણો હતાં.

શાળાઓ અને સરકારી કચેરીઓ માટે પણ નિયમો

GRAP-3 હેઠળ ધોરણ 5 સુધીની શાળાઓને હાઇબ્રિડ મોડમાં અભ્યાસ કરાવવાની સૂચના આપવામાં આવી હતી. એટલે વિદ્યાર્થીઓને શાળામાં અથવા ઓનલાઇન અભ્યાસ કરવાની સુવિધા આપવાની હતી. સરકારી કચેરીઓમાં 50 ટકા કર્મચારીઓને ઘરેથી કામ કરાવવા અંગે પણ સૂચનાઓ આપવામાં આવી હતી.

GRAP-3માં કઈ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હતો?

GRAP-3 લાગુ થયા બાદ દિલ્હી-NCRમાં પ્રદૂષણ ફેલાવતી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. તેના 9 મુદ્દાના એક્શન પ્લાન હેઠળ ધૂળ ફેલાવતાં બાંધકામનાં કામો, સ્ટોન ક્રશર અને ખનન પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકાયો હતો.

દિલ્હી ઉપરાંત ગુરુગ્રામ, ફરીદાબાદ, ગાઝિયાબાદ અને ગૌતમ બુદ્ધ નગરમાં પણ BS-III પેટ્રોલ અને BS-IV ડીઝલનાં ચાર પૈડાંવાળાં વાહનો પર પ્રતિબંધ લાગુ હતો. હવે GRAP-3ની પાબંદીઓ હટાવાતાં આ તબક્કા હેઠળના નિયંત્રણોમાંથી રાહત મળશે, પરંતુ GRAP-1 અને GRAP-2ના નિયમોનું પાલન કરવું પડશે.

આ પણ વાંચો:https://sandesh.com/india/news/asaram-bapu-case-asarams-troubles-continue-hearing-on-appeal-against-conviction-in-supreme-court-postponed-final-hearing-will-be-held-after-winter-vacation