દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે સરકાર હવે જૂના અને વધુ પ્રદૂષણ ફેલાવતા કોમર્શિયલ વાહનોને તબક્કાવાર રસ્તા પરથી હટાવવાની તૈયારી કરી રહી છે. દિલ્હી સરકારે કેન્દ્રની 'પરિવર્તન' યોજનાને દિલ્હીમાં લાગુ કરવાની મંજૂરી આપી છે. આ યોજના હેઠળ દિલ્હીમાં આશરે 78,000 જૂના BS-3 અને BS-4 ભારે કોમર્શિયલ વાહનોની ઓળખ કરવામાં આવી છે. સમગ્ર દિલ્હી-NCRની વાત કરીએ તો આશરે 2.07 લાખ ટ્રક અને બસ માલિકોને આ યોજનાનો લાભ મળવાની શક્યતા છે.
નવા BS-VI, CNG અથવા ઈલેક્ટ્રિક વાહન ખરીદી શકશે
યોજના હેઠળ વાહન માલિકો પોતાના જૂના વાહનને સ્ક્રેપ કરાવીને નવા BS-VI, CNG અથવા ઈલેક્ટ્રિક વાહન ખરીદી શકશે. બદલામાં સરકાર તરફથી વિવિધ આર્થિક પ્રોત્સાહનો આપવામાં આવશે. જોકે, હાલ આ યોજના સ્વૈચ્છિક રાખવામાં આવી છે અને વાહન માલિકોને ફરજિયાત રીતે વાહન બદલવાનું રહેશે નહીં.
જૂનું વાહન સ્ક્રેપ કરીને નવું વાહન ખરીદવા પર સૌથી મોટો લાભ 10 વર્ષ સુધી 100 ટકા મોટર વ્હીકલ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફીમાં છૂટનો છે. ઉપરાંત વાહન ખરીદવા માટે લેવામાં આવેલી લોન પર 5 ટકા વ્યાજ સબસિડી અને વાહન ઉત્પાદક કંપની એટલે કે OEM તરફથી 8 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. પાત્ર વાહનો માટે ફ્યુઅલ વાઉચર અથવા તેની સમકક્ષ લાભ પણ આપવામાં આવશે.
ટેક્સ અને રજિસ્ટ્રેશન ફીમાં 10 વર્ષ સુધી સંપૂર્ણ છૂટ
BS-IV અથવા તેનાથી જૂના લાઈટ ગુડ્સ કેરિયર (LGV)ને સ્ક્રેપ કરીને નવું ઈલેક્ટ્રિક LGV ખરીદવા પર પણ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફીમાં 10 વર્ષ સુધી સંપૂર્ણ છૂટ, 5 ટકા વ્યાજ સબસિડી અને OEM ડિસ્કાઉન્ટ મળશે. જૂના ઈલેક્ટ્રિક વાહન ખરીદનારને 10 વર્ષ માટે 50 ટકા મોટર વ્હીકલ ટેક્સમાં છૂટ, વ્યાજ સબસિડી અને ફ્યુઅલ વાઉચરનો લાભ મળશે.
પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળશે
મિડવેટ અને હેવી ગુડ્સ વાહનો માટે પણ સમાન લાભ આપવામાં આવશે. BS-IV અથવા જૂના વાહનને સ્ક્રેપ કરીને નવું BS-VI અથવા ઈલેક્ટ્રિક વાહન ખરીદવા પર ટેક્સ, રજિસ્ટ્રેશન ફી, વ્યાજ સબસિડી અને OEM ડિસ્કાઉન્ટ મળશે. જૂની બસોને પણ યોજનામાં સામેલ કરવામાં આવી છે. BS-IV અને તેનાથી જૂની બસોને માત્ર BS-VI CNG અથવા ઈલેક્ટ્રિક બસથી બદલવાની મંજૂરી રહેશે. સ્ક્રેપ થનારા વાહનો પર એક વર્ષથી વધુ સમયથી બાકી રોડ ટેક્સ અને ફિટનેસ પેનલ્ટીમાં પણ રાહત આપવામાં આવશે.
દિલ્હીમાં નવા LGV માટે માત્ર ઈલેક્ટ્રિક વાહનોને મંજૂરી રહેશે, જ્યારે નવી બસો માટે BS-VI CNG અથવા ઈલેક્ટ્રિક બસ જ ખરીદી શકાશે. સરકારનો દાવો છે કે આ પગલાંથી દિલ્હી-NCRમાં સ્વચ્છ પરિવહનને પ્રોત્સાહન મળશે અને પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળશે.
આ પણ વાંચો : Heavy Rain: દિલ્હીવાસીઓ સાવધાન! હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ, યુપી-ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી