ભારતની પ્રથમ સેમી-હાઈ-સ્પીડ પ્રાદેશિક રેલ સેવા 'નમો ભારત' હવે તેના સંપૂર્ણ રૂટ પર દોડવા માટે તૈયાર છે. રવિવારનો દિવસ દિલ્હી-NCR અને ઉત્તર પ્રદેશના રહેવાસીઓ માટે ઐતિહાસિક સાબિત થશે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ કોરિડોરના અંતિમ તબક્કાનું અને મેરઠ મેટ્રોનું ઉદ્ઘાટન કરશે. આ સાથે જ 82.15 કિલોમીટર લાંબો આખો કોરિડોર સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે.

ટ્રાયલ રન સફળ,દિલ્હીથી મેરઠનું અંતર ઘટ્યું

તાજેતરમાં જ શુક્રવારે મેરઠના બેગમપુલથી દિલ્હીના સરાય કાલે ખાન વચ્ચે નમો ભારત ટ્રેનનો સફળ ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, બેગમપુલ અને મેરઠ દક્ષિણ વચ્ચે મેટ્રો ટ્રેનનું પણ પરીક્ષણ પૂર્ણ થયું છે. અત્યાર સુધી આ કોરિડોરનો માત્ર 55 કિલોમીટરનો હિસ્સો કાર્યરત હતો, પરંતુ હવે મુસાફરો છેક દિલ્હીના હૃદય સમાન સરાય કાલે ખાનથી મેરઠ સુધી સીધી મુસાફરી કરી શકશે.

સમય અને સુવિધાનો અદભૂત સંગમ

આજના ભાગદોડભર્યા જીવનમાં લોકો માટે સમય એ જ સૌથી મોટી સંપત્તિ છે. સામાન્ય રીતે ખાનગી કાર કે બસ દ્વારા દિલ્હીથી મેરઠ પહોંચવામાં ટ્રાફિકના કારણે 2 થી 2.5 કલાકનો સમય લાગે છે. જોકે, નમો ભારત ટ્રેન આ અંતર માત્ર 55 મિનિટમાં કાપશે. આ પ્રોજેક્ટ માત્ર અંતર જ નથી ઘટાડતો, પરંતુ મુસાફરોને ટ્રાફિક જામના માનસિક તણાવ અને થાકમાંથી પણ મુક્તિ અપાવશે.

આર્થિક અને પર્યાવરણીય ફાયદા

રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર પરિવહન નિગમ (NCRTC) ના અહેવાલ મુજબ, આ કોરિડોર માત્ર ઝડપી જ નહીં પણ આર્થિક રીતે પણ ફાયદાકારક છે.લાખો લોકો જાહેર પરિવહનનો ઉપયોગ કરતા રસ્તા પર ખાનગી વાહનોની સંખ્યા ઘટશે, જેનાથી કરોડો રૂપિયાના ઇંધણની બચત થશે.ઇલેક્ટ્રિક ટ્રેન હોવાથી વાહન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થશે, જે દિલ્હી-NCRની હવાની ગુણવત્તા સુધારવામાં મદદરૂપ થશે. અભ્યાસ મુજબ, આ કોરિડોર પ્રાદેશિક સુલભતામાં વધારો કરશે. જે લોકો અત્યારે નોકરી કે વ્યવસાય માટે મેરઠથી દિલ્હી આવવા ખચકાય છે, તેમના માટે આ ટ્રેન લાઈફલાઈન સમાન બનશે.

આ પણ વાંચોઃ  Avimukteshwaranand: FIR દાખલ કરવાના આદેશ બાદ સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, હું યોગી નથી કે કેસ હટાવી લઉં