દિલ્હી પોલીસે ઇન્ડિયન યુથ કોંગ્રેસ (IYC)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુ ચિબની ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ કાર્યવાહી ગયા અઠવાડિયે ભારત મંડપમમાં યોજાયેલા ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ દરમિયાન થયેલા “શર્ટલેસ પ્રોટેસ્ટ” મામલે કરવામાં આવી છે. પોલીસે વહેલી સવારે લગભગ 4:30 વાગ્યે ઉદય ભાનુને કસ્ટડીમાં લીધા અને બાદમાં સત્તાવાર રીતે ધરપકડ કરી. શક્યતા છે કે તેમને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
પોલીસ ઉદય ભાનુની રિમાન્ડ માગશે
દિલ્હી પોલીસે ઉદય ભાનુ ચિબને તિલક માર્ગ પોલીસ સ્ટેશન ખાતે પૂછપરછ માટે બોલાવ્યા હતા. લાંબી પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી. પોલીસ મુજબ આ પ્રદર્શન વિશેની મહત્વપૂર્ણ માહિતી ઉદય ભાનુ પાસે હતી અથવા સમગ્ર કાર્યક્રમની યોજના બનાવવામાં તેમની મુખ્ય ભૂમિકા રહી હોઈ શકે છે. પૂછપરછ દરમિયાન ઉદય ભાનુએ પૂરતો સહકાર આપ્યો નહોતો અને ઘણા પ્રશ્નોના જવાબ ટાળ્યા અથવા ભટકાવવાનો પ્રયાસ કર્યો હોવાનું કહેવામાં આવ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પૂરતા પુરાવા મળ્યા બાદ જ ધરપકડ કરવામાં આવી છે. હવે તેમને કોર્ટમાં રજૂ કરીને પોલીસ રિમાન્ડ માંગવામાં આવશે.













