રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ અત્યંત ગંભીર અને ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. તમામ પ્રકારના સરકારી અને વહીવટી પ્રતિબંધો છતાં પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) સતત 400 ઉપર નોંધાઈ રહ્યો છે. બગડતી જતી આ પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે દિલ્હી સરકારે ફરી એકવાર દિવાળી અને છઠ પૂજા દરમિયાન કૃત્રિમ વરસાદ (Artificial Rain) પાડવાની મજબૂત તૈયારીઓ હાથ ધરી છે.

વાદળોમાં ક્લાઉડ સીડિંગ કરાશે

સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, જો દિવાળી અને છઠ પૂજા બાદ પ્રદૂષણમાં વધુ વધારો થશે તો વાદળોમાં ક્લાઉડ સીડિંગ (Cloud Seeding) કરીને કૃત્રિમ વરસાદ પાડવામાં આવશે. આ મિશન માટે છેલ્લા 15 દિવસમાં બે ટ્રાયલ પણ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યા છે. દિલ્હી એરપોર્ટ નજીક આશરે 30,000 મીટરની ઊંચાઈએથી આ ટ્રાયલ અને ક્લાઉડ સીડિંગ પ્રક્રિયા કરવામાં આવી હતી. નોંધનીય છે કે ગયા વર્ષે 10,000 મીટરની ઊંચાઈએથી આ પ્રયોગ કરવામાં આવ્યો હતો.

પ્રદૂષણ સામે લડવા કરાશે કૃત્રિમ વરસાદ

પ્રદૂષણ સામે લડવા માટે દિલ્હી સરકાર આ અગાઉ પણ આવા પ્રયોગો કરી ચૂકી છે. ૨૦૨૫ના ઓક્ટોબર મહિનામાં પણ દિલ્હી સરકારના પર્યાવરણ વિભાગે IIT કાનપુરના સહયોગથી પ્રદૂષણના મુખ્ય હોટસ્પોટ્સ જેવા કે બુરારી, મયુર વિહાર અને કરોલ બાગના આકાશમાં ક્લાઉડ સીડિંગ કર્યું હતું. તે સમયે કાનપુરથી ખાસ વિમાન દ્વારા ૧૦ કિલો સિલ્વર આયોડાઇડ, સાદું મીઠું અને રોક સોલ્ટનું મિશ્રણ વાદળોમાં છોડવામાં આવ્યું હતું.

દિલ્હીનું વાતાવરણ ઝેરી ધુમ્મસ ભર્યુ

દર વર્ષે શિયાળો આવતાંની સાથે જ પરાળી (પાકની નકામી પરાળ) બાળવાની ઘટનાઓ અને વાહનોના ધુમાડાને કારણે દિલ્હીનું વાતાવરણ ઝેરી ધુમ્મસથી ઘેરાઈ જાય છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા દિલ્હી સરકારે આ વર્ષની શરૂઆતમાં 'વિન્ટર એક્શન પ્લાન' (Winter Action Plan) પણ લાગુ કર્યો છે. જે અંતર્ગત ૧ નવેમ્બરથી દિલ્હી બહારથી આવતા BS-4 વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે, પાર્કિંગ ફી બમણી કરવામાં આવી છે અને સરકારી તથા ખાનગી ઓફિસોમાં ૫૦% વર્ક-ફ્રોમ-હોમ (Work From Home) આપવાની સાથે કામના સમયમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે. છતાં પણ વાયુ પ્રદૂષણમાં કોઈ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો નથી, જેથી હવે કૃત્રિમ વરસાદ પર જ એકમાત્ર આશા ટકેલી છે.

આ પણ વાંચોઃ દિવાલ પર ગરોળી ફટાફાટ કેવી રીતે દોડે છે? સીધી દિવાલ હોવા છતા પડતી કેમ નથી?