દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં રવિવારે બનેલી એક ગોઝારી ઘટનામાં પેઈંગ ગેસ્ટ (PG) તરીકે ઉપયોગમાં લેવાતી એક ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં 6 લોકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે અને કાટમાળ નીચે હજુ પણ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોક અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે.આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

બચાવ કામગીરી આખી રાત ચાલી

ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું અને આખી રાત રાહત તથા બચાવ કામગીરી સતત ચાલુ રહી હતી. કાટમાળ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની ટીમોએ ખાસ તાલીમ પામેલા સ્નિફર ડોગ્સ (ડોગ સ્ક્વોડ) ની મદદથી કાટમાળમાં ફસાયેલા પીડિતોની શોધખોળ હાથ ધરી છે.
https://x.com/kumarsubodh_/status/2096777195335352576?s=20

https://twitter.com/Neha_S_Patel/status/2096564898826461187

મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આપ્યા તપાસના આદેશ

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આ દુર્ઘટનાની ગંભીર નોંધ લેતા ઉચ્ચસ્તરીય મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. પોલીસ દ્વારા મકાન માલિક સામે ગુનાહિત હત્યા અને બેદરકારીની કલમો હેઠળ FIR દાખલ કરવામાં આવી છે. સાઉથ કેમ્પસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોસ્ટેલના માલિક આનંદ બંસલના ભાઈ હરિરામ બંસલ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

નવીનીકરણનું કામ અને MCDની કાર્યવાહી

પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે આ ઇમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર પર નવીનીકરણ (Renovation) નું કામ ચાલી રહ્યું હતું, જેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી (MCD) એ સખત પગલાં લેતા સત્ય નિકેતનની મિલકત નંબર 13 ને અત્યંત ખતરનાક અને જર્જરિત જાહેર કરી છે. MCD એ DMC અધિનિયમ 1957 ની કલમો હેઠળ નોટિસ પાઠવીને આ ઇમારતને ત્રણ દિવસની અંદર તોડી પાડવાનો આદેશ આપ્યો છે. નિર્ધારિત સમયમાં કાર્યવાહી ન થાય તો MCD દ્વારા તોડી પાડવાની કામગીરી કરી તેનો ખર્ચ મકાન માલિક પાસેથી વસૂલવામાં આવશે.

ABVP દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન

આ દુર્ઘટના બાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના કાર્યકરોએ સિવિક સેન્ટર ખાતે MCD મુખ્યાલયની બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ "સેફ કેમ્પસ અમારો અધિકાર છે" અને "બેદરકારી સ્વીકાર્ય નથી" જેવા સૂત્રોચ્ચાર કરી MCD ની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો અને ગેરકાયદેસર બાંધકામો રોકવામાં નિષ્ફળ રહેવા બદલ MCD કમિશનર, ચેરમેન અને મેયરના રાજીનામાની માંગ કરી હતી.

આ પણ વાંચોઃ Delhi Building Collapse: દિલ્હી ઈમારત દુર્ઘટનાથી હાહાકાર, CM રેખા ગુપ્તાએ કહ્યું, "જવાબદારોને બક્ષવામાં નહીં આવે"