Delhi Building Collapse: દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના સત્ય નિકેતન પાસે રવિવારે ચાર માળની બિલ્ડિંગ અચાનક ધરાશાયી થઈ ગઈ. દુર્ધટના બાદ કાટમાળમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. અત્યાર સુધીમાં 7 લોકોને રેસ્ક્યૂ કરીને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. અકસ્માતમાં બે લોકોના મોત થયા છે, જ્યારે બે લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

કાટમાળમાં ફસાયેલા લોકો માટે ઓક્સિજન મંગાવવામાં આવ્યા

કાટમાળમાં ફસાયેલા લોકોને ઓક્સિજન પહોંચાડવા માટે Blinkit દ્વારા ઓક્સિજન સિલિન્ડર પણ મંગાવવામાં આવ્યા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે. આ PGના બેઝમેન્ટમાં કામ ચાલી રહ્યું હતું. એક મહિના પહેલાં પણ નોટિસ આપવામાં આવી હતી. એક વર્ષ પહેલાં પણ બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવી હતી. બિલ્ડિંગના નીચેના ભાગમાં મેડિકલ શોપ ચાલી રહી હતી.

ઘટનાસ્થળે 8 ફાયર ટેન્ડર તૈનાત

દિલ્હી ફાયર સર્વિસને બપોરે લગભગ 1:30 વાગ્યે બિલ્ડિંગ ધરાશાયીનો અલર્ટ મળ્યો હતો. ત્યારબાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. આ ઘટનાને લઈને સાઉથ કેમ્પસ પોલીસ સ્ટેશનને બપોરે લગભગ 1:34 વાગ્યે PCR કોલ મળ્યો હતો. કોલમાં નાનકપુરા ગુરુદ્વારા પાસે એક બિલ્ડિંગ ધરાશાયી થવાની માહિતી આપવામાં આવી હતી. દુર્ધટના બાદ રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. ઘટનાસ્થળે 8 ફાયર ટેન્ડર તૈનાત કરવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ, CAT એમ્બ્યુલન્સ અને અન્ય ઇમરજન્સી સર્વિસની ટીમો બચાવ અને રાહત કામગીરીમાં લાગી છે.

https://twitter.com/ANI/status/2096552575579635889

હોસ્ટલના માલિક સામે કેસ નોંધાયો

‘હોસ્ટલ ડેઝ’ના માલિક તરીકે હરિઓમ બંસલ અને આનંદ બંસલના નામ સામે આવ્યા છે. તેની બીજી એક બિલ્ડિંગ પણ છે, જે એક મહિના પહેલાં અન્ય વ્યક્તિને લીઝ પર આપવામાં આવી હતી. બિલ્ડિંગમાં 4 માળ અને ત્યારબાદ ટેરેસ છે. દરેક માળે 4 રૂમ છે. ગ્રાઉન્ડ ફ્લોરના એક રૂમમાં એક બેડનું ભાડું 18 હજાર રૂપિયા છે. જ્યારે સેકન્ડ ફ્લોર ભાડે આપવામાં આવ્યો નથી. થર્ડ ફ્લોરનું ભાડું 16 હજાર રૂપિયા અને ફોર્થ ફ્લોરનું ભાડું 14 હજાર રૂપિયા છે.

બિલ્ડિંગમાં બહાર નીકળવા માટે બીજો ગેટ નહોતો

એક રૂમમાં બે બેડ અને એક બેડના હિસાબે ભાડે આપવામાં આવતું હોવાનું જણાવાયું છે. બિલ્ડિંગમાં સાંકડી ગેલેરીઓમાં રૂમ બનાવવામાં આવ્યા હતા. આગ લાગે અથવા બિલ્ડિંગ ધરાશાયી થાય તેવી સ્થિતિમાં બહાર નીકળવા માટે બીજો કોઈ એક્ઝિટ ગેટ નહોતો હોવાનું પણ સામે આવ્યું છે.

આ પણ વાંચો: દિલ્હીના 'હોસ્ટેલ ડેઝ' પીજી હોનારત પાછળ શુ છે સત્ય?, જાણો