નવી દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલી કથિત કાર્યવાહીના વિરોધમાં, કોંગ્રેસ પાર્ટીએ વડા પ્રધાનના નિવાસસ્થાન તરફ કૂચ કરી અને પ્રદર્શન કર્યું. વિરોધ પ્રદર્શનમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, પવન ખેરા, પંજાબ કોંગ્રેસના વડા અમરિંદર સિંહ રાજા વારિંગ, દીપેન્દ્ર હુડા અને કર્ણાટકના મુખ્યમંત્રી ડીકે શિવકુમાર સહિત અનેક વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો હતો.
સંસદમાં આ મુદ્દે ચર્ચા કરવા દેવામાં આવે- રાહુલગાંધી
વિરોધ પ્રદર્શન દરમિયાન, રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે તેઓ નરેન્દ્ર મોદી પાસેથી જવાબ માંગવા માટે વડા પ્રધાનના નિવાસસ્થાન તરફ કૂચ કરી રહ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે સરકારે ગયા દિવસે વિદ્યાર્થીઓ સાથે ક્રૂર વર્તન કર્યું હતું પરંતુ જવાબદારી લેવા અથવા સંસદમાં આ મુદ્દા પર ચર્ચા કરવા દેવા તૈયાર નથી.
જિતેન્દ્રસિંહ સાથે રાહુલ ગાંધીએ કરી વાતચીત
તો પીએમ આવાસ નજીક કોંગ્રેસના વિરોધને લઇને કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહ રાહુલ ગાંધીને મળવા આવી પહોંચ્યા હતા. રાહુલ ગાંધી સાથે તેમણે વાતચીત કરી. વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલા લાઠીચાર્જને લઇને કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે વાત કરી હતી. બંને વચ્ચે લગભગ 30 મિનિટ સુધી વાતચીત થઈ. રાહુલ અને પ્રિયંકા લગભગ બે કલાકથી પીએમ નિવાસસ્થાન પાસે ધરણા પર બેઠા છે. રાહુલ ગાંધીને મળ્યા બાદ, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ હવે ગૃહમંત્રી અમિત શાહને મળશે. એવું માનવામાં આવે છે કે અમિત શાહને રાહુલ ગાંધીની માંગણીઓથી વાકેફ કરવામાં આવશે, ત્યારબાદ તેઓ તેમના અંગે નિર્ણય લેશે.
કોંગ્રેસ પાર્ટીએ 5 માગણી કરી
- શિક્ષણ મંત્રીનું રાજીનામું
- સંસદના બંને ગૃહોમાં ગૃહ મંત્રીનું નિવેદન
- ગૃહમાં આ બાબતે વિગતવાર ચર્ચા
- વિદ્યાર્થીઓના મુદ્દાઓ માટે સુનાવણી
- વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસાની નિષ્પક્ષ તપાસ
કોંગ્રેસ પાર્ટીએ તેના વિરોધ પ્રદર્શન દરમિયાન પાંચ મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. પાર્ટીએ કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી કરી છે અને આગ્રહ કર્યો છે કે કેન્દ્રીય ગૃહ મંત્રી સંસદના બંને ગૃહોમાં આ મુદ્દે નિવેદન આપે. વધુમાં, કોંગ્રેસે સમગ્ર મામલા પર વિગતવાર સંસદીય ચર્ચા, વિદ્યાર્થીઓને લગતા મુદ્દાઓની ગંભીર સુનાવણી અને વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.
https://twitter.com/ANI/status/2079533750023807291