અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના ક્રીમી લેયર નિર્ધારણ અંગે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. કોર્ટે જણાવ્યું છે કે ઓબીસી ઉમેદવાર ક્રીમી લેયરમાં આવે છે કે નહીં તે નક્કી કરવા માટે માત્ર માતા-પિતાની પગારની આવકને આધાર બનાવી શકાય નહીં. તેમના સરકારી પદની શ્રેણી અને સ્થિતિને પણ ધ્યાનમાં લેવી જરૂરી છે. જોકે, આ નિર્ણયના આધારે અગાઉ પૂર્ણ થઈ ગયેલી ભરતી પ્રક્રિયા, નિમણૂક અને વરિષ્ઠતાને ફરીથી ખોલવામાં આવશે નહીં.

માતા-પિતાના પદની શ્રેણી પણ મહત્વપૂર્ણ

ન્યાયમૂર્તિ પી.એસ. નરસિમ્હા અને ન્યાયમૂર્તિ આર. મહાદેવનની ખંડપીઠે કેન્દ્ર સરકારની વિવિધ અરજી પર સુનાવણી દરમિયાન આ સ્પષ્ટતા કરી હતી. કેન્દ્ર સરકારે 11 માર્ચ 2026ના રોજ આપવામાં આવેલા નિર્ણયની અસર અને તેના અમલીકરણ અંગે સ્પષ્ટતા માગી હતી. સુપ્રીમ કોર્ટે અગાઉના નિર્ણયમાં જણાવ્યું હતું કે ક્રીમી લેયર નક્કી કરતી વખતે માતા-પિતાની પગારની આવક ઉપરાંત તેમના સરકારી પદની શ્રેણી અને સ્થિતિનું મૂલ્યાંકન કરવું જરૂરી છે.

1993ના નિયમો અને 2004ના સ્પષ્ટીકરણનો વિવાદ

આ વિવાદ 8 ઓગસ્ટ 1993ના કાર્યાલય આદેશ અને 14 ઓક્ટોબર 2004ના સ્પષ્ટીકરણ સાથે જોડાયેલો છે. 1993ના નિયમોમાં ક્રીમી લેયર નક્કી કરવા માટે સંબંધિત શ્રેણી અને માતા-પિતાના પદને મહત્ત્વ આપવામાં આવ્યું હતું. જ્યારે 2004ના સ્પષ્ટીકરણમાં જાહેર ક્ષેત્રના ઉપક્રમો, બેંકો, યુનિવર્સિટીઓ અને ખાનગી સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓનાં બાળકોના કિસ્સામાં પગારની આવક અંગે અલગ જોગવાઈ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે 2004નું સ્પષ્ટીકરણ 1993ની મૂળ નીતિમાં એવી વધારાની શરત ઉમેરી શકે નહીં, જે મૂળ નીતિમાં સામેલ ન હોય. કોર્ટે સમાન પરિસ્થિતિ ધરાવતા કર્મચારીઓનાં બાળકો સાથે અલગ વ્યવહાર થવાથી બંધારણની કલમ 14 અને 16 હેઠળ સમાનતાનો પ્રશ્ન ઊભો થતો હોવાનું પણ નોંધ્યું હતું.

જૂની ભરતી અને નિમણૂકો ફરી ખોલવામાં નહીં આવે

કેન્દ્ર સરકારે દલીલ કરી હતી કે 11 માર્ચના નિર્ણયને ભૂતકાળથી લાગુ કરવામાં આવે તો કેન્દ્ર સરકાર ઉપરાંત 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પૂર્ણ થઈ ગયેલી ભરતી, નિમણૂક અને શૈક્ષણિક પ્રવેશ પ્રક્રિયાઓ પર અસર થઈ શકે છે. સરકારના જણાવ્યા અનુસાર, 2016થી 2025 દરમિયાન કેન્દ્ર સરકારનાં મંત્રાલયો અને વિભાગોમાં 5.69 લાખથી વધુ અનામત જગ્યાઓ ભરવામાં આવી હતી. તેમાં આશરે 3.70 લાખ ઓબીસી જગ્યાઓનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત, 2012થી યોજાયેલી સિવિલ સેવા પરીક્ષાઓમાં સેવા ફાળવણીની પ્રક્રિયા ફરી તપાસવાની સ્થિતિ ઊભી થઈ શકે તેવી આશંકા પણ કેન્દ્ર સરકારે વ્યક્ત કરી હતી. આ અંગે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે 11 માર્ચનો નિર્ણય અગાઉ પૂર્ણ થઈ ગયેલી પસંદગી પ્રક્રિયાઓ અને નિમણૂકોને ફરી ખોલવાનો આપમેળે આધાર બનશે નહીં. અગાઉ નક્કી થયેલી વરિષ્ઠતા અને બઢતી પર પણ આ નિર્ણયની પ્રતિકૂળ અસર નહીં થાય.

CSE-2025ના સેવા ફાળવણીમાં નવા સિદ્ધાંતો લાગુ પડશે

સિવિલ સેવા પરીક્ષા 2025ના પરિણામ અને સેવા ફાળવણી અંગે પણ સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. કેન્દ્ર સરકારે યુપીએસસી દ્વારા ભલામણ કરાયેલા 958 ઉમેદવારોની સેવા ફાળવણી માટે વચગાળાની રાહત માગી હતી. કોર્ટે નોંધ્યું કે પરીક્ષાનું પરિણામ 6 માર્ચ 2026ના રોજ જાહેર થયું હતું, પરંતુ સેવા ફાળવણીની પ્રક્રિયા હજુ અંતિમ તબક્કે પહોંચી નહોતી. તેથી પસંદ થયેલા ઓબીસી ઉમેદવારોની સેવા ફાળવણીમાં 11 માર્ચના નિર્ણયમાં સમજાવવામાં આવેલા ક્રીમી લેયરના સિદ્ધાંતો લાગુ પડશે.

નીતિ નક્કી કરવા કેન્દ્ર સરકાર સ્વતંત્ર

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે કેન્દ્ર સરકાર બંધારણ અને અદાલત દ્વારા નક્કી કરાયેલા સિદ્ધાંતોને અનુરૂપ અનામત અને ક્રીમી લેયર અંગે પોતાની નીતિ બનાવી શકે છે. વિવિધ સંસ્થાઓનાં પદોની સમાનતા નક્કી કરવા અને એકસરખી વ્યવસ્થા વિકસાવવા કેન્દ્ર સરકારે બે વર્ષનો સમય માગ્યો હતો. જોકે, કોર્ટે આ પ્રક્રિયા માટે કોઈ સમયમર્યાદા નક્કી કરવાનો ઇનકાર કર્યો હતો. આમ, સુપ્રીમ કોર્ટના સ્પષ્ટીકરણથી એક તરફ ઓબીસી ક્રીમી લેયર નક્કી કરવામાં માતા-પિતાના પદની શ્રેણીનું મહત્ત્વ સ્પષ્ટ થયું છે, તો બીજી તરફ અગાઉ પૂર્ણ થયેલી ભરતી, નિમણૂક અને વરિષ્ઠતાને સુરક્ષિત રાખવામાં આવી છે.  


આ પણ વાંચો :     Explainer: ગરીબીમાં બાળપણ, લગ્ન વગર 5 બાળકોના પિતા, રોનાલ્ડોની ફૂટબોલના રાજા બનવાની સફર!