દિલ્હીમાં આગામી સપ્તાહથી ઠંડીનું પ્રમાણ વધુ વધવાની શક્યતા છે. આગામી સપ્તાહે દિલ્હીમાં આ સિઝનનું પ્રથમ સિંગલ ડિજિટ લઘુત્તમ તાપમાન નોંધાઈ શકે છે. તેનું કારણ સપ્તાહના અંતમાં ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ફરી ઠંડા પવનોનું આગમન છે.
'ઇન્ડિયા ટુડે'ના અહેવાલ અનુસાર, એક સ્વતંત્ર હવામાન નિષ્ણાતે અનુમાન લગાવ્યું છે કે 22 નવેમ્બર સુધી લઘુત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થઈ શકે છે, કારણ કે શહેરમાં પૂર્વ દિશાના પવનોની અસર રહેશે.
હવામાન નિષ્ણાત નવદીપ દહિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે સોમવાર (23 નવેમ્બર)થી ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ઠંડા પવનો ફરી પાછા ફરશે. જેના કારણે દિલ્હી-NCR અને ઉત્તર-પશ્ચિમ ભારતના આસપાસના વિસ્તારોમાં ફરી એકવાર ઠંડી વધવાની શક્યતા છે.
10.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું તાપમાન
શુક્રવારે દિલ્હીના મુખ્ય હવામાન કેન્દ્ર સફદરજંગમાં લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ તાપમાન મોસમની સરેરાશ કરતાં 1.8 ડિગ્રી ઓછું હતું. આ સિઝનની અત્યાર સુધીની સૌથી ઠંડી સવાર હતી.
જોકે, શનિવારે તાપમાન વધીને 12.2 ડિગ્રી સેલ્સિયસ થયું હતું. સફદરજંગમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 0.1 ડિગ્રી ઓછું રહ્યું હતું. જ્યારે પાલમ હવામાન કેન્દ્રમાં 12.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 0.4 ડિગ્રી ઓછું છે.
અન્ય હવામાન કેન્દ્રોમાં લોધી રોડ ખાતે લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી વધુ છે. જ્યારે રિજ કેન્દ્રમાં તાપમાન 13.1 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જે સામાન્ય કરતાં 0.4 ડિગ્રી ઓછું છે.
દિલ્હીમાં ક્યારે નોંધાશે સિંગલ ડિજિટ તાપમાન?
ઉત્તર-પશ્ચિમ દિશાના ઠંડા પવનો ફરી શરૂ થવાને કારણે રાત્રિના તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. 'ઇન્ડિયા ટુડે'ના અહેવાલ અનુસાર, દિલ્હીમાં 24-25 નવેમ્બરે લઘુત્તમ તાપમાન 9થી 10 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાઈ શકે છે. જો આવું થાય તો આ સિઝનનું પ્રથમ સિંગલ ડિજિટ તાપમાન હશે.
IMDનું શું છે અનુમાન?
જોકે, ભારતીય હવામાન વિભાગ (IMD)ની તાજેતરની આગાહી અનુસાર, દિલ્હીમાં 24 નવેમ્બરે લઘુત્તમ તાપમાન આશરે 12થી 13 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. જ્યારે 25 નવેમ્બરે તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે.
આ આગાહી પરથી સ્પષ્ટ થાય છે કે આ સિઝનનું પ્રથમ સિંગલ ડિજિટ તાપમાન નોંધાવા અંગે હજુ અનિશ્ચિતતા છે. આ સમયગાળા દરમિયાન દિવસનું તાપમાન 24થી 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. એટલે કે ઠંડીની સૌથી વધુ અસર રાત્રિ અને વહેલી સવારના સમયે જોવા મળી શકે છે.
આ પણ વાંચો:Bageshwar Baba: 'રામકથા રોકવાની કોઈની તાકાત નથી,અખિલેશ યાદવ પર બાબા બાગેશ્વરનો મોટો પ્રહાર