લોકસભામાં સોમવારે પરિસીમન બિલ પર થનારી મહત્ત્વપૂર્ણ ચર્ચા અને મતદાન પહેલાં કોંગ્રેસ માટે મુશ્કેલી ઊભી થઈ છે. કેરળના કન્નૂરથી કોંગ્રેસના સાંસદ કે. સુધાકરણ ભારતની બહાર દુબઈની એક હોસ્પિટલમાં ICUમાં દાખલ છે. તેમની ગેરહાજરીથી કોંગ્રેસ સહિત ઇન્ડિયા ગઠબંધનની ચિંતા વધી છે. ઝારખંડમાં હેમંત સોરેનની પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચા પરિસીમન બિલને સમર્થન આપે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. JMMએ હજુ સુધી પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી. પાર્ટીએ શનિવારે જણાવ્યું હતું કે પ્રસ્તાવિત બિલની ઝારખંડ પર શું અસર થશે તેનો અભ્યાસ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટી બિલને સમર્થન આપે તેવી શક્યતા વધુ છે. જો આવું થાય તો કોંગ્રેસ માટે આ મોટો રાજકીય ઝટકો બની શકે છે.

JMM ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે અને તેના કુલ 6 સાંસદો છે

JMM ઇન્ડિયા ગઠબંધનનો ભાગ છે અને તેના કુલ 6 સાંસદો છે. જેમાં 3 લોકસભા અને 3 રાજ્યસભાના સાંસદોનો સમાવેશ થાય છે. પરિસીમન બિલના મતદાનમાં એક-એક મત મહત્ત્વનો હોવાથી આ 6 સાંસદોનું વલણ નિર્ણાયક બની શકે છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી હેમંત સોરેને આ મુદ્દે રાજકીય સ્થિતિની સમીક્ષા કરવા પોતાના નિવાસસ્થાને પાર્ટીના સાંસદોની બેઠક બોલાવી હતી. બેઠક બાદ પાર્ટીએ જણાવ્યું હતું કે તે જાણવા માગે છે કે પ્રસ્તાવિત ફેરફાર રાજ્યના હિતોનું રક્ષણ કરશે કે નહીં. ખાસ કરીને સંસદમાં ઝારખંડનું પ્રતિનિધિત્વ અને અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત બેઠકોની સંખ્યા અંગે પાર્ટી વિચારણા કરી રહી છે.

અચાનક ICUમાં ખસેડવામાં આવ્યા સુધાકરણ

દુબઈમાં મીડિયા સાથે વાત કરતાં કે. સુધાકરણના પુત્ર સંજોગે જણાવ્યું હતું કે તેમના પિતા શુક્રવારે નિયમિત આરોગ્ય તપાસ માટે હોસ્પિટલ ગયા હતા. ડોક્ટરોએ ન્યુરોલોજિકલ સમસ્યાનું કારણ આપીને તેમને 48 કલાક સુધી નિરીક્ષણ હેઠળ રાખવાની સલાહ આપી હતી. સંજોગના જણાવ્યા અનુસાર, શનિવારે હોસ્પિટલ તરફથી તેમના પિતાની તબિયતમાં સુધારો થઈ રહ્યો હોવાનું જણાવાયું હતું અને રવિવારે રજા આપવામાં આવશે તેવી માહિતી મળી હતી. જોકે, રવિવારે સવારે જ્યારે પરિવાર તેમને દિલ્હી પરત લઈ જવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે હોસ્પિટલ પ્રશાસને અચાનક તેમને ICUમાં ખસેડ્યા હતા. સંજોગે આરોપ લગાવ્યો કે પરિવારને પણ તેમની સાથે મુલાકાત કરવા દેવામાં આવી ન હતી. તેમણે દાવો કર્યો કે હોસ્પિટલના ડોક્ટરોએ કોઈ 'બોસ'નો ફોન આવ્યો હોવાનું જણાવ્યું હતું. તેમના પિતાને કોઈના દબાણ અથવા નિયંત્રણ હેઠળ રાખવામાં આવ્યા હોવાની આશંકા પણ તેમણે વ્યક્ત કરી હતી. પરિવારનો આરોપ છે કે રવિવારે તેમની દિલ્હી વાપસી અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસે વ્યક્ત કરી ચિંતા

કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (KPCC)ના પ્રમુખ સની જોસેફે આ ઘટનાને ગંભીર ગણાવી હતી. તેમણે કહ્યું કે સાંસદના પરિવારને તેમની સાથે મુલાકાત કરવા ન દેવી અને કેન્દ્ર સરકારના હસ્તક્ષેપના આરોપો ચિંતાજનક છે.કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે પણ આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે ગુરુવારે જ્યારે તેમને સુધાકરણ સારવાર માટે વિદેશ ગયા હોવાની જાણ થઈ ત્યારે તેમણે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સંપર્ક થઈ શક્યો નહોતો. ત્યારબાદ શુક્રવારે તેમણે સુધાકરણના પુત્રને ફોન કરીને લોકસભાના વિશેષ સત્રની ગંભીરતા ધ્યાનમાં રાખીને તેમને તાત્કાલિક દિલ્હી પરત આવવા જણાવ્યું હતું. વેણુગોપાલે ખાતરી આપી હતી કે સંસદમાં ચર્ચા પૂર્ણ થયા બાદ પાર્ટી દિલ્હીમાં તેમની સારવારની સંપૂર્ણ વ્યવસ્થા કરશે.

કોંગ્રેસના નેતૃત્વથી કેમ નારાજ છે કે. સુધાકરણ?

કે. સુધાકરણ વર્ષ 2021થી 2024 સુધી કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ રહી ચૂક્યા છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ પાર્ટીના નેતૃત્વથી નારાજ હોવાનું કહેવાય છે. એપ્રિલમાં યોજાયેલી કેરળ વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેમણે કન્નૂર બેઠક પરથી ચૂંટણી લડવા માટે ટિકિટની માગણી કરી હતી. જોકે, કોંગ્રેસે વર્તમાન સાંસદોને વિધાનસભાની ચૂંટણી ન લડાવવાનો નિર્ણય કર્યો હતો. આથી સુધાકરણને પોતાનો આગ્રહ છોડવો પડ્યો હતો.30 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના વિશેષ સત્રમાં પરિસીમન સંબંધિત બંધારણીય સુધારા બિલને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે મતભેદ છે. વિપક્ષ બિલનો વિરોધ કરવા માટે સાંસદોનું સમર્થન મેળવવાની રણનીતિ બનાવી રહ્યો છે.આવા સમયે કે. સુધાકરણની ગેરહાજરી કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બની છે. બીજી તરફ, JMMના 6 સાંસદોનું વલણ પણ મહત્ત્વપૂર્ણ બની શકે છે. હવે પરિસીમન બિલ પર મતદાન પહેલાં કોંગ્રેસ પોતાના સાંસદોની હાજરી અને વિપક્ષી એકતા કેવી રીતે જાળવે છે તેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચોઃ Delimitation Bill Live : કોંગ્રેસ સાથેની બેઠક બાદ DMKના સ્ટાલિને સરકારને સમર્થન આપ્યું, રાહુલ ગાંધીએ કહ્યું અમે અમારી વાત મુકી