Delimitation Bill: સંસદમાં મહિલા અનામત અને લોકસભા મતવિસ્તારોના સીમાંકન (delimitations) અંગે રાજકીય ગતિવિધિઓ ફરી એકવાર તેજ બની છે. 30 નવેમ્બરથી શરૂ થનારા લોકસભાના વિશેષ સત્ર પહેલાં રાજકીય પક્ષોએ પોતાની તૈયારીઓ વેગવંતી બનાવી દીધી છે.
એનસીપીએ થ્રી લાઇન વ્હિપ જાહેર કર્યુ
નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) એ તેના લોકસભા સભ્યો માટે 'થ્રી-લાઇન વ્હિપ' (ત્રણ લાઇનનો આદેશ) જાહેર કર્યો છે, જેમાં તમામ સાંસદોને 30 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ગૃહમાં હાજર રહેવા અને પક્ષના વલણને સમર્થન આપવા નિર્દેશ આપવામાં આવ્યો છે.
પક્ષના તમામ સાંસદો ગૃહમાં ફરજિયાત પણે હાજર રહે - એનસીપી
શિરુરના સાંસદ ડૉ. અમોલ રામસિંહ કોલ્હે દ્વારા જાહેર કરાયેલા આ વ્હિપમાં જણાવવામાં આવ્યું છે કે લોકસભામાં અત્યંત મહત્વપૂર્ણ કાયદાકીય કામકાજ થવાનું છે; તેથી, પક્ષના તમામ સાંસદોએ ફરજિયાતપણે ગૃહમાં હાજર રહેવું જોઈએ. આ નિર્દેશની ગંભીરતા પર ભાર મૂકતા, સાંસદોને સૂચના આપવામાં આવી છે કે તેઓ પક્ષના વલણ મુજબ જ પોતાનો મત આપે. દરમિયાન, વાયએસઆર કોંગ્રેસ પાર્ટી (YSRCP) પણ સીમાંકન ખરડાને સમર્થન આપી શકે છે.
https://x.com/ians_india/status/2126178278646145274?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2126178278646145274%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
સીમાંકન ખરડાને YSRCPનું સમર્થન મળવાના સંકેત
પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, જો પ્રાદેશિક સંતુલન જળવાઈ રહેતું હોય, તો વાયએસઆર કોંગ્રેસ આ ખરડાને સમર્થન આપવા તૈયાર છે. પક્ષે શરત મૂકી છે કે સીમાંકન પ્રક્રિયાના પરિણામે કોઈ ચોક્કસ પ્રદેશ કે રાજ્યના રાજકીય પ્રતિનિધિત્વ સાથે અન્યાય ન થવો જોઈએ. પ્રસ્તાવિત સીમાંકન ખરડામાં લોકસભાની બેઠકોની સંખ્યા વધારીને 850 કરવાની યોજનાનો સમાવેશ થાય છે. આ જોતાં, સરકાર માટે YSRCPનું વલણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જોકે, પક્ષ દ્વારા હજુ સુધી સમર્થનની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
લોકસભાનું સત્ર 30 નવેમ્બરથી શરૂ થશે
લોકસભા સચિવાલય દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર જાહેરનામા મુજબ 18મી લોકસભાના આઠમા સત્રનો બીજો તબક્કો સોમવાર, ૩૦ નવેમ્બરથી શરૂ થશે. સરકારી કામકાજની જરૂરિયાતોને ધ્યાનમાં લેતા, આ સત્ર ગુરુવાર 3 ડિસેમ્બરે સમાપ્ત થવાની અપેક્ષા છે.
કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ પણ જણાવ્યું છે કે સરકારે લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના સભાપતિને સંસદના બંને ગૃહો ફરીથી બોલાવવા માટે વિનંતી કરી છે. આ અંતર્ગત લોકસભાને 30 નવેમ્બરે અને રાજ્યસભાને ૨ ડિસેમ્બરે બોલાવવાનો પ્રસ્તાવ છે. બંને ગૃહોની કાર્યવાહી ૩ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.