બિહારના લખીસરાયના પ્રસિદ્ધ અશોકધામ મંદિરમાં એક દુઃખદ અકસ્માત સર્જાયો. શ્રાવણના સોમવારે ભગવાન શિવનો જલાભિષેક કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. આ દરમિયાન શ્રદ્ધાળુઓની વચ્ચે વીજળીનો તાર તૂટી પડતાં અચાનક નાસભાગ મચી ગઈ. આ દુર્ઘટનામાં સાત મહિલા શ્રદ્ધાળુઓનાં કરૂણ મોત થયા છે, જ્યારે એક ડઝનથી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે.
https://twitter.com/ANI/status/2089183516156428646
મંદિર પરિસરમાં ભારે ભીડ વચ્ચે અચાનક વીજળીનો તાર પડી જતાં લોકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વીજળીનો તાર પડતાં જ શ્રદ્ધાળુઓ ગભરાઈને સલામત સ્થળ તરફ દોડવા લાગ્યા હતા. જેના કારણે અચાનક નાસભાગ મચી ગઈ હતી.
ભગવાન શિવના જલાભિષેક માટે લાઇનમાં ઊભા હતા
https://twitter.com/ANI/status/2089181833229684962
ઘટના સમયે અનેક શ્રદ્ધાળુઓ ભગવાન શિવના જલાભિષેક માટે લાઇનમાં ઊભા હતા. અચાનક બનેલી આ ઘટનાથી લોકોને શું થયું તે સમજાય તે પહેલાં જ ભીડમાં નાસભાગ શરૂ થઈ ગઈ હતી. એકબીજાને બચાવવા માટે લોકો દોડવા લાગ્યા હતા. આ દરમિયાન અનેક શ્રદ્ધાળુઓ નીચે પડી ગયા હતા અને તેમની ઉપરથી અન્ય લોકો પસાર થતાં સ્થિતિ વધુ ગંભીર બની હતી. ખાસ કરીને કેટલીક મહિલાઓ ભીડમાં ફસાઈ ગઈ હતી અને દબાઈ જવાથી તેમના મોત થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ દુર્ઘટનામાં કુલ સાત શ્રદ્ધાળુઓનાં મોત થયાં છે, જ્યારે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.
દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ
દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સાથે જ મેડિકલ ટીમોને પણ સ્થળ પર મોકલવામાં આવી હતી. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે લખીસરાય સદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં કેટલાક ઘાયલોની સ્થિતિ ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તબીબોની ટીમ ઘાયલોની સારવારમાં લાગી ગઈ છે. બીજી તરફ પોલીસ અને રાહત-બચાવ ટીમો દ્વારા મંદિર પરિસરમાં બચાવ કામગીરી ઝડપી બનાવવામાં આવી હતી.
https://twitter.com/ANI/status/2089188293791608853
ઘટના બાદ મંદિર પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી હતી. વહીવટી અધિકારીઓએ ભીડને નિયંત્રિત કરીને સ્થિતિને સામાન્ય બનાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. શ્રદ્ધાળુઓને શાંતિ જાળવવા અને વ્યવસ્થામાં સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી હતી. ઘટનાને પગલે મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.