દક્ષિણ ભારતના પ્રચંડ લોકપ્રિયતા ધરાવતા અભિનેતા વિજય થલાપતિએ રાજકારણમાં પ્રવેશીને જોતજોતામાં તમિલનાડુમાં સરકાર પણ બનાવી લીધી હતી. બિલકુલ એ જ રીતે હવે વધુ એક અભિનેતા વિજયના પગલે ચાલીને પોતાની રાજકીય સફરની શરૂઆત કરે તેવી અટકળો થઇ રહી છે.

અભિનેતા ધનુષ રાજકારણમાં જોડાય તેવી ચર્ચાઓ તેજ બની છે. આ અંગે TVKના પ્રવક્તાએ નિવેદન આપતા કહ્યું હતું કે મુખ્યમંત્રી વિજયની સિનેમાના પડદાથી મુખ્યમંત્રી સુધીની સફર દરેક માટે પ્રેરણારૂપ બની છે. 

'NDTV'ના અહેવાલ અનુસાર, TVKના પ્રવક્તા એમ. સત્ય કુમારે કહ્યું, “અમને ખુશી છે કે TVK પક્ષ એક રાજકીય સ્ટાર્ટઅપ તરીકે લોકો માટે પ્રેરણારૂપ બની રહ્યો છે. વિજયે આ માટે 30 વર્ષ સુધી કામ કર્યું છે. આ કોઈ સરળ કામ નથી. રાજકારણમાં નવા વિકલ્પો સામે આવી શકે છે, પરંતુ તેઓ કેટલો સમય ટકી શકે છે અને તેમનામાં કેટલી તાકાત છે, તે જોવું રહ્યું.”

રાજકારણ માટે પૂરો સમય આપવો જરૂરી: સત્ય કુમાર

TVKના પ્રવક્તાએ કહ્યું કે વિજયની કાર્યપદ્ધતિ ભવિષ્યમાં રાજકારણમાં પ્રવેશ કરનાર લોકો માટે એક આદર્શ બની શકે છે. જોકે, તેમણે એ પણ જણાવ્યું કે રાજકારણમાં પ્રવેશ કરવો સરળ હોઈ શકે છે, પરંતુ તેમાં ટકી રહેવા માટે સંપૂર્ણ સમય અને પ્રતિબદ્ધતા જરૂરી છે. આ પછી જ્યારે તેમને ધનુષ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે તમિલનાડુના સત્તાધારી પક્ષ 'તમિલગા વેત્રી કઝગમ' (TVK)એ અભિનેતા ધનુષના રાજકારણમાં પ્રવેશની અટકળોનું સ્વાગત કરે છે.

ધનુષના રાજકારણમાં પ્રવેશની ચર્ચા કેમ થઈ રહી છે?

તાજેતરમાં કોઈમ્બતુરમાં ધનુષના ફેન ક્લબની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધનુષની ફેન ક્લબનું નામ બદલીને 'ધનુષ નર્પણી ઇયક્કમ' (ધનુષ કલ્યાણ આંદોલન) રાખવામાં આવ્યું હતું. ત્યારથી ધનુષના રાજકારણમાં પ્રવેશની ચર્ચાઓ વધુ તેજ બની છે. ઉલ્લેખનીય છે કે વિજયે પણ આ જ રીતે ફેન ક્લબ વડે એક મજબૂત સંગઠન બનાવીને જ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

ધનુષના ફેન ક્લબની બેઠકમાં 3,000થી વધુ હોદ્દેદારોએ ભાગ લીધો હતો, જે પણ નોંધપાત્ર બાબત છે. જોકે, ધનુષ ખરેખર રાજકારણમાં પ્રવેશ કરશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.