કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ વિશે કરવામાં આવેલી ટિપ્પણીઓને લઈને વિવાદ હજુ શમ્યો નથી. આ સંદર્ભમાં લખનૌમાં સમાજવાદી પાર્ટી (SP)ના મુખ્યાલયની બહાર હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે, જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને "ઠગ", "પાખંડી વ્યાપારી" ગણાવવામાં આવ્યા છે. આ હોર્ડિંગ્સ સુજીત યાદવ નામના વ્યક્તિ દ્વારા લગાવવામાં આવ્યા છે.
હોર્ડિંગ્સમાં ડાબી બાજુ ભગવાન રામ અને ભગવાન શ્રીકૃષ્ણના ચિત્રો છે, જ્યારે જમણી બાજુ ધીરેન્દ્ર શાસ્ત્રીના ફોટા પર લાલ રંગની 'ક્રોસ' (ચોકડી)ની નિશાની છે. નીચે સમાજવાદી પાર્ટીના નેતા રૂપેશ યાદવ અને પાર્ટીની વિદ્યાર્થી પાંખના રાષ્ટ્રીય સચિવ સુજીત યાદવના નામ અને ફોટા દર્શાવવામાં આવ્યા છે. આ હોર્ડિંગ્સ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીને "ઠગ" અને "પાખંડી" ગણાવાયા
સમાજવાદી પાર્ટીના મુખ્યાલયની બહાર લગાવેલા હોર્ડિંગ્સ પર લખ્યું છે: "ભગવાન રામ માત્ર તમારા નથી અને ભગવાન શ્રીકૃષ્ણ માત્ર અમારા નથી; રામ અને કૃષ્ણ સમગ્ર વિશ્વના છે. જે કોઈ તેમની વચ્ચે ભેદભાવ ઊભો કરે છે, તે શાસ્ત્રોનો સાચો કથાકાર નથી, પરંતુ એક ઠગ, પાખંડી વ્યાપારી છે."
આ હોર્ડિંગ્સ લગાવનાર સુજીત યાદવનું કહેવું છે કે જે લોકો ધાર્મિક કથાઓને વ્યવસાયમાં ફેરવી નાખે છે, તેઓ દેવતાઓનું અપમાન કરી રહ્યા છે. તેમનો આરોપ છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન રામ બંનેનું અપમાન કર્યું છે. તેમના મતે આવા લોકો સાચા કથાકાર નથી. પરંતુ માત્ર વેપારી છે. તેઓ સનાતન ધર્મના અનુયાયીઓને આવા "વ્યાપારી" કથકારોથી દૂર રહેવાની અપીલ કરે છે અને આરોપ લગાવે છે કે તેઓ ધાર્મિક પ્રવચનોની આડમાં સમાજમાં ભાગલા પાડી રહ્યા છે.
ભગવાન શ્રીકૃષ્ણ વિશેની ટિપ્પણીને કારણે શાસ્ત્રી મુશ્કેલીમાં
ઉલ્લેખનીય છે કે, 29 ઓક્ટોબરે મધ્યપ્રદેશના શિવપુરીમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ભગવાન રામ અને ભગવાન શ્રીકૃષ્ણની તુલના કરી હતી. આ દરમિયાન તેમણે ભગવાન શ્રીકૃષ્ણ વિશે વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો અને તેમને "ટેઢા" (કુટિલ/વાંકા) કહ્યા હતા. આ નિવેદનને કારણે અયોધ્યા અને મથુરા સહિત દેશના વિવિધ ભાગોમાં ભારે રોષ ફેલાયો હતો. મથુરાના સંતોએ એ વાત પર ભાર મૂક્યો છે કે ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ એક જ છે, અને તેમણે આવી ટિપ્પણીઓ કરવા સામે ચેતવણી આપી છે. આ મુદ્દાએ રાજકીય વળાંક લીધો છે; સમાજવાદી પાર્ટી (SP)ના વડા અખિલેશ યાદવે કાર્યવાહીની માંગ કરી છે અને આવા વ્યક્તિઓનો સામાજિક બહિષ્કાર કરવાની હાકલ કરી છે.
આ પણ વાંચો: 'Congress ની સરકાર હોત તો... આખા દેશમાં બાબરી મસ્જિદ બની ગઈ હોત', હિમંતા બિસ્વાનું મોટું નિવેદન
