દિલ્હીના જંતર-મંતર ખાતે તાજેતરમાં યોજાયેલા વિરોધ પ્રદર્શન પહેલાં જાણીતા યુટ્યુબર ધ્રુવ રાઠીને ગુરુગ્રામમાં પોલીસ કસ્ટડીમાં લેવાયા હતા. એ પછી તેમને છોડી મુકવામાં આવ્યા હતા, જો કે તેમની નાગરિકતા અને વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે એક નવો વિવાદ ઉભો થયો છે.
ધ્રુવ રાઠી 8 ઓક્ટોબરે બેંગલુરુમાં યોજાયેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના વિરુદ્ધમાં યોજાયેલા પ્રદર્શનમાં સામેલ થયા હતા. આ ઘટનાક્રમ બાદ બેંગલુરુના પૂર્વ પોલીસ કમિશનર અને ભાજપના નેતા ભાસ્કર રાવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખીને રાઠીની નાગરિકતા, વિઝાના નિયમો, પાસપોર્ટ અને ઇમિગ્રેશનની સ્થિતિની ઊંડી તપાસ કરવાની માગ કરી હતી.
આ ઉપરાંત દિલ્હી પોલીસે પણ સ્પષ્ટ કર્યું છે કે જંતર-મંતર પર આવીને વિરોધ નોંધાવવાનો પ્રયાસ કરવા બદલ તેમની સામે ફરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર મામલે એક મોટો સવાલ ઊભો થયો છે કે શું ભારતીય બંધારણ અને કાયદાકીય માળખું વિદેશી નાગરિકોને દેશમાં રાજકીય કે સામાજિક આંદોલનોમાં ભાગ લેવાની મંજૂરી આપે છે?
બંધારણમાં ભારતીય નાગરિકો અને વિદેશીઓના અધિકારો વચ્ચેનો તફાવત
ભારતીય બંધારણના ભાગ-3માં આપવામાં આવેલા મૂળભૂત અધિકારો હેઠળ દેશના નાગરિકો અને વિદેશી નાગરિકો વચ્ચે તફાવત સ્પષ્ટ કરવામાં આવ્યો છે. બંધારણની કલમ 19(1)(a) દેશના નાગરિકોને પોતાના વિચારો વ્યક્ત કરવાની અને વાણી સ્વાતંત્ર્યની છૂટ આપે છે. જ્યારે કલમ 19(1)(b) ભારતીય નાગરિકોને શાંતિપૂર્ણ રીતે અને હથિયારો વિના એકઠા થવાનો મૂળભૂત અધિકાર આપે છે.
જો કે આ બંને મહત્ત્વના બંધારણીય અધિકારો માત્ર ભારતીય નાગરિકોને જ મળે છે. ફક્ત દેશની અંદર હાજર હોવા માત્રથી કોઈ વિદેશી નાગરિકને ભારતીય નાગરિકોની જેમ રાજકીય વિરોધ કે પ્રદર્શનમાં ભાગ લેવાનો અધિકાર આપમેળે મળી જતો નથી.
વિદેશી નાગરિકોને મળતા બંધારણીય અધિકારો
મૂળભૂત અધિકારોની મર્યાદાઓ હોવા છતાં તેનો અર્થ એવો નથી કે વિદેશી નાગરિકો ભારતીય કાયદાના દાયરાની બહાર છે. બંધારણની કલમ 14 ભારતના સમગ્ર વિસ્તારમાં દરેક વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આપવાની ખાતરી આપે છે.
તેવી જ રીતે, કલમ 21 દેશમાં રહેતા દરેક વ્યક્તિના જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનું રક્ષણ કરે છે. વિદેશી નાગરિકો પણ આ બંધારણીય સુરક્ષાના હકદાર છે, પરંતુ તેમના અધિકારોનો વ્યાપ દેશમાં તેમની હાજરી સાથે જોડાયેલા વહીવટી અને વિઝાના નિયમોને આધીન રહે છે.
નાગરિકતા અને જન્મસ્થળ વચ્ચેનો કાનૂની તફાવત
વિદેશી નાગરિકતા અને વ્યક્તિના જન્મસ્થળ વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જરૂરી છે. વિદેશમાં જન્મ લેવાથી જ કોઈ વ્યક્તિ કાયદાની દૃષ્ટિએ વિદેશી નાગરિક બની જતી નથી. જો તેણે ભારતીય નાગરિકતા મેળવી હોય, તો તેની કાનૂની સ્થિતિ અલગ હોય છે. ભારતીય નાગરિક બની ચૂકેલી વ્યક્તિના અધિકારો વિઝાની શરતોને આધીન વિદેશી નાગરિકના અધિકારોથી અલગ હોય છે.
રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા અને વિઝાની શરતો
જો કોઈ વિદેશી નાગરિક ભારતમાં રાજકીય કે સામાજિક વિરોધ પ્રદર્શનમાં ભાગ લે છે, તો તેની પ્રવૃત્તિઓની કાયદાકીય તપાસ કરવામાં આવે છે. દેશમાં વિદેશી નાગરિકોના આગમન, રોકાણ અને પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા માટે ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ 2025 લાગુ છે, જે 1 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવ્યો છે.
ભારત સરકાર દ્વારા આપવામાં આવતા પ્રવાસન, વેપાર કે અભ્યાસના વિઝા સાથે કડક શરતો જોડાયેલી હોય છે.
ધ્રુવ રાઠીની નાગરિકતાની સ્થિતિ
ધ્રુવ રાઠીની નાગરિકતા અંગે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ તેમણે ભારતીય પાસપોર્ટ બતાવીને પોતે ભારતીય નાગરિક હોવાનું જણાવ્યું છે. સૌથી મહત્ત્વની સ્પષ્ટતા એ છે કે તેમને જર્મનીમાં રહેતા હોવાને કારણે વિદેશી નાગરિક ગણી શકાય નહીં. જો તેઓ ભારતીય નાગરિક છે, તો બંધારણની કલમ 19 હેઠળ વાણી સ્વાતંત્ર્ય અને શાંતિપૂર્ણ રીતે એકઠા થવાના અધિકારો તેમને લાગુ પડે છે. જોકે, આ અધિકારો કાયદેસર મર્યાદાઓને આધીન છે. કોઈ ચોક્કસ સ્થળે પ્રતિબંધાત્મક આદેશ લાગુ હોય, તો તેની કાયદેસરતા અને લાગુ પડતી શરતો અલગથી તપાસવી પડે.