મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે રામ જન્મભૂમિ ટ્રસ્ટની કામગીરી અને ચૂંટણી પંચની મતદાર યાદી સુધારણા પ્રક્રિયા (SIR) પર ગંભીર સવાલો ઉઠાવીને રાજકીય ગરમાવો લાવી દીધો છે.ઇન્દોર પ્રેસ ક્લબમાં યોજાયેલી એક પત્રકાર પરિષદ દરમિયાન તેમણે રામ મંદિર નિર્માણ માટે જમીન ખરીદી, દાનની રકમનો હિસાબ અને દેશની ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અંગે વ્યાપક તપાસની માગ કરી છે.આ સાથે જ તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર પર આરોપો લગાવી તેમના રાજીનામાની પણ માગ કરી છે. જોકે, આ આરોપોની હજુ સુધી કોઈ સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.

રામ મંદિર ટ્રસ્ટની ભૂમિકા અને જમીન સોદા પર ઉઠાવ્યા સવાલ

દિગ્વિજય સિંહે પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અગાઉ રામ મંદિર નિર્માણ સાથે જોડાયેલા ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે સામેલ હતા.તેમણે સવાલ ઉઠાવ્યો કે જમીન ખરીદી સંબંધિત ફરિયાદો છતાં જવાબદારો સામે નક્કર પગલાં કેમ લેવાયા નથી.પૂર્વ મુખ્યમંત્રીએ એક ચોંકાવનારો દાવો કરતા જણાવ્યું કે,ભાજપ સાથે જોડાયેલા લોકોએ અયોધ્યામાં એક જમીન આશરે ₹2 કરોડમાં ખરીદી હતી અને તેના બીજા જ દિવસે રામ જન્મભૂમિ ટ્રસ્ટે એ જ જમીન ₹18 કરોડમાં ખરીદી લીધી હતી.આ કથિત સોદા ઉપરાંત મંદિરના બાંધકામ,કોન્ટ્રાક્ટ અને ખર્ચની વિગતોની સ્વતંત્ર ઓડિટ અને તપાસ થવી જોઈએ તેવી માગ તેમણે કરી છે. વધુમાં તેમણે કોરોના કાળ દરમિયાન આરએસએસ (RSS)ના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પાછળ કથિત રીતે ખર્ચાયેલા ₹7 કરોડના સોર્સ અંગે પણ પ્રશ્નો કર્યા છે.

SherfaneRutherford

ધાર્મિક સંસ્થાઓના ઓડિટ અને 'રામાલય ટ્રસ્ટ'નો પ્રસ્તાવ

ધાર્મિક કાર્યક્રમોના રાજકીય ઉપયોગનો આરોપ લગાવતા દિગ્વિજય સિંહે માગ કરી છે કે રામ મંદિર સહિત દેશના તમામ મુખ્ય મંદિરો અને મઠોની આવક-જાવકનું નિયમિત સ્વતંત્ર ઓડિટ થવું જોઈએ અને દાનની રકમનો હિસાબ સાર્વજનિક કરવો જોઈએ. તેમણે વર્તમાન રામ જન્મભૂમિ ટ્રસ્ટને વિખેરી નાખીને તેની જવાબદારી 'રામાલય ટ્રસ્ટ'ને સોંપવાનો પ્રસ્તાવ મૂક્યો છે,જેમાં ચારેય પીઠના શંકરાચાર્યો,રામાનંદ સંપ્રદાયના સંતો,નિર્મોહી અખાડા અને ગોરખનાથ મઠના પ્રતિનિધિઓને સ્થાન આપવાની વકીલાત કરવામાં આવી છે.

મતદાર યાદી (SIR) ની પ્રક્રિયા પર પણ ગંભીર આક્ષેપો

રામ મંદિર ઉપરાંત દિગ્વિજય સિંહે મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા (SIR) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે રાજકીય હેતુઓ સિદ્ધ કરવા માટે મતદાર યાદીમાંથી મોટા પાયે નામો દૂર કરવાની ગેરરીતિઓ આચરવામાં આવી છે. તેમણે મધ્ય પ્રદેશની 2023ની વિધાનસભા ચૂંટણી વખતનું ઉદાહરણ આપતા ભોપાલની નરેલા બેઠકના એક મતદાન કેન્દ્રનો ઉલ્લેખ કર્યો હતો, જ્યાં એક જ સરનામે અનેક મતદારો નોંધાયેલા હોવાનું બહાર આવ્યું હતું. આ અનિયમિતતાઓ બદલ તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ કરી છે.

અંકિતા ભંડારી કેસ અને ઉજ્જૈન જમીન વિવાદનો મુદ્દો

પત્રકાર પરિષદમાં તેમણે માત્ર મધ્ય પ્રદેશ પૂરતા જ નહીં, પરંતુ ઉત્તરાખંડના ચર્ચિત અંકિતા ભંડારી કેસનો મુદ્દો ઉઠાવી પીડિતાને વહેલી તકે ન્યાય આપવાની વકીલાત કરી હતી.આ ઉપરાંત,ઉજ્જૈનમાં ભારત ન્યાસને જમીન ફાળવવાના મામલે અને મહાકાલ મંદિર નજીક સરસ્વતી શિશુ મંદિર તોડીને હોટલ બનાવવાના નિર્ણય સામે પણ તેમણે વહીવટીતંત્રને આડે હાથ લીધું હતું.

20ઓક્ટોબરથી શરૂ થશે 'સત્ય સનાતન સ્વાભિમાન યાત્રા'

દિગ્વિજય સિંહે જણાવ્યું કે તેઓ આગામી 20 ઓક્ટોબરથી 'સત્ય સનાતન સ્વાભિમાન યાત્રા' શરૂ કરવા જઈ રહ્યા છે, જેને પ્રખ્યાત સંતોનું સમર્થન પ્રાપ્ત થયું છે.પશ્ચિમામ્નાય શ્રી દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી અને જ્યોતિષ્પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પણ આ યાત્રાના ઉદ્દેશોની પ્રશંસા કરી સમર્થન આપ્યું છે. હવે આ ગંભીર રાજકીય આક્ષેપો પર શાસક પક્ષ અને ચૂંટણી પંચ તરફથી શું પ્રતિક્રિયા આવે છે તેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો - IND VS WI: ઈશાને એક જ શોટથી લૂંટી લીધી મહેફિલ, છગ્ગો જોઈને ચોંકી ગયા ચાહકો