દેશભરમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. લોકોએ દીવડાં પ્રગટાવી, રંગોળી બનાવી અને ફટાકડા ફોડીને તહેવારની ખુશીઓ મનાવી હતી. મીઠાઈઓની મોજ માણવાની સાથે લોકોએ આતશબાજી કરીને દિવાળીની ઉજવણી કરી હતી. જોકે, આ ખુશીઓ વચ્ચે ફટાકડાને કારણે દેશના અનેક વિસ્તારોમાં આગ લાગવાની ગંભીર ઘટનાઓ પણ સામે આવી હતી.
દિલ્હીથી લઈને ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર સુધી અનેક સ્થળોએ આગે ભારે નુકસાન પહોંચાડ્યું હતું. ક્યાંક ભંગારનાં ગોડાઉન આગની લપેટમાં આવ્યાં તો ક્યાંક દુકાનો, મકાનો અને કારખાનાંમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
દિલ્હીના નજફગઢમાં ગારમેન્ટ ફેક્ટરીમાં આગ
દિવાળીની રાત્રે દિલ્હીના નજફગઢ વિસ્તારમાં આવેલા નાંગલી સકરાવતીમાં એક ગારમેન્ટ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેને કાબૂમાં લેવા માટે એક પછી એક 25 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમોએ અનેક કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, રાહતની વાત એ રહી કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
https://x.com/ANI/status/2119573617264746980?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2119573617264746980%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
દિલ્હીના નરેલા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં પણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં આશરે છ ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પર પહોંચી હતી અને આગ બુઝાવી હતી. બીજી તરફ, શાહદરાના અશોક નગરમાં આવેલી રમેશ સ્ટોર નામની દુકાનમાં ફટાકડાને કારણે આગ લાગી હતી. દુકાનનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કેટલાક યુવકો દુકાન નજીક ફટાકડા ફોડી રહ્યા હતા. તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ માન્યા નહોતા. પરિણામે ફટાકડાની આગ દુકાન સુધી પહોંચી હતી.
ગાઝિયાબાદમાં ફ્લેટ અને પ્લાસ્ટિક ફેક્ટરી આગની લપેટમાં
દિલ્હીને અડીને આવેલા ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પણ દિવાળીની ઉજવણી દરમિયાન આગની અનેક ઘટનાઓ બની હતી. ક્રોસિંગ રિપબ્લિક વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં આગ લાગી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ઘરમાં રોકેટ ફટાકડો આવી પડતાં આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. જોકે, અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ત્રણ ગાડીઓ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવી રહેવાસીઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
https://x.com/ANI/status/2119522843537063972?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2119522843537063972%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
આ ઉપરાંત, ગાઝિયાબાદના વિજય નગર ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી નોવા ફોર્મ વર્ક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની પ્લાસ્ટિક ફેક્ટરીમાં પણ ભીષણ આગ લાગી હતી. ફેક્ટરીમાં મોટી માત્રામાં પ્લાસ્ટિક શટરિંગનો સામાન રાખવામાં આવ્યો હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ફાયર વિભાગની ટીમોએ સમયસર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે અહીં પણ કોઈ જાનહાનિ થઈ નહોતી. બીજી તરફ, લખનઉના છોટા દેવી ખેડા વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને આગ બુઝાવી હતી.
મહારાષ્ટ્રમાં પણ આગની અનેક ઘટનાઓ
મહારાષ્ટ્રના નવી મુંબઈમાં તુર્ભે સેક્ટર-21ના એક શોપિંગ સેન્ટરના પ્રથમ માળે આવેલા સોફા બનાવવાના કારખાનામાં આગ લાગી હતી. આગને કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરતાં અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ ઉપરાંત, મુંબઈના વિદ્યાવિહાર વિસ્તારમાં આવેલી સ્કાયલાઇન એપિટોમ બિલ્ડિંગમાં પણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગને કારણે અંદરનો સામાન બળીને રાખ થઈ ગયો હતો. ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
દિવાળીના પર્વ દરમિયાન બનેલી આ ઘટનાઓએ ફટાકડા ફોડતી વખતે સાવચેતી રાખવાની જરૂરિયાત ફરી એકવાર ઉજાગર કરી છે. ખુશીના તહેવારમાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે સુરક્ષાનાં નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે.