કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર સોમવારે બેંગલુરુમાં આવેલા પોતાના નવા સરકારી નિવાસસ્થાન 'ગંગા'માં રહેવા પહોંચી ગયા છે. આ નિવાસસ્થાન ઐતિહાસિક કુમાર કૃપા ગેસ્ટ હાઉસની ઇમારતમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ ઇમારતનું નિર્માણ આશરે 160 વર્ષ પહેલાં એટલે કે 1856માં કરવામાં આવ્યું હતું. આ ઇમારતનો મહાત્મા ગાંધી સાથે પણ ખાસ સંબંધ રહ્યો છે. ગાંધીજી વર્ષ 1927ના ઉનાળામાં લગભગ બે મહિના સુધી અહીં રોકાયા હતા. આ દરમિયાન તેઓ પરિસરમાં આવેલા એક મોટા પીપળાના વૃક્ષ નીચે નિયમિત રીતે સાંજે પ્રાર્થના સભાઓ યોજતા હતા.

ડી.કે. શિવકુમાર અને તેમના પરિવારે નવા નિવાસસ્થાનમાં પ્રવેશ કરતાં પહેલાં વિશેષ પૂજા કરી હતી. ત્યારબાદ તેઓ પોતાના ખાનગી નિવાસસ્થાનમાંથી સરકારી બંગલામાં રહેવા ગયા હતા.

મુખ્યમંત્રીના નિવાસસ્થાને તિરંગા સાથે કન્નડ ધ્વજ પણ ફરક્યો

નવા સરકારી નિવાસસ્થાનમાં ભારતીય રાષ્ટ્રધ્વજની સાથે કર્ણાટકનો ધ્વજ પણ લગાવવામાં આવ્યો છે. રાજ્ય સરકાર કન્નડ ધ્વજને સત્તાવાર રાજ્યધ્વજનો દરજ્જો અપાવવાના પ્રયાસો કરી રહી છે. સરકાર ઇચ્છે છે કે કર્ણાટકની સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજની સાથે કન્નડ ધ્વજ પણ ફરકાવવામાં આવે.

આ ઇમારતનો ઉપયોગ મુખ્યમંત્રીના નિવાસસ્થાનની સાથે તેમની કચેરી તરીકે પણ કરવામાં આવશે. અહીં મુલાકાતે આવતા લોકોની ફરિયાદો સાંભળવામાં આવશે અને તેમની સમસ્યાઓનો રેકોર્ડ સોફ્ટવેર દ્વારા રાખવામાં આવશે. આ ઉપરાંત મુલાકાતીઓ પાસેથી મળતા દસ્તાવેજોનું સંચાલન, સત્તાવાર બેઠકો અને સરકારી કાર્યક્રમોનું આયોજન પણ આ જ પરિસરમાં કરવામાં આવશે.

નવા નિવાસસ્થાનના નવીનીકરણ પાછળ થયેલા ખર્ચને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે. આ અંગે ડી.કે. શિવકુમારે જણાવ્યું હતું કે ઇમારતના મૂળ સ્વરૂપ અને ઐતિહાસિક ઓળખને જાળવી રાખીને તેમાં આશરે 10 ટકા ફેરફાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલીક નવી સુવિધાઓ પણ ઉમેરવામાં આવી છે.

નવીનીકરણના ખર્ચ અંગે સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું હતું કે મોટાભાગનાં ફર્નિચરનો ફરીથી ઉપયોગ કરવામાં આવ્યો છે. લગભગ 80થી 90 ટકા ફર્નિચર તેમનું જૂનું ખાનગી ફર્નિચર છે, જે તેઓ પોતાના અગાઉના નિવાસસ્થાનમાંથી લાવ્યા છે. આ ઉપરાંત કુમાર કૃપા પરિસરમાં પહેલેથી જ રહેલું ફર્નિચર અને કેટલીક પથારીઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ પોતાના જૂના ઘરેથી માત્ર બે પલંગ લાવ્યા છે.

શિવકુમારના જણાવ્યા અનુસાર, નવીનીકરણમાં સૌથી વધુ ખર્ચ સુરક્ષા વ્યવસ્થા પાછળ થયો છે. તેમાં પરિસરમાં કરવામાં આવેલા ફેરફારો અને સુરક્ષા સંબંધિત અન્ય જરૂરિયાતોનો સમાવેશ થાય છે.

ગાંધીજી અને મૈસુર રજવાડાના ઇતિહાસ સાથે જોડાયેલી ઇમારતને લઈને વિવાદ

કુમાર કૃપાની ઐતિહાસિક ઓળખને ધ્યાનમાં રાખીને તેને મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાનમાં ફેરવવાના નિર્ણયને લઈને રાજકીય વિવાદ પણ ઊભો થયો છે. વિપક્ષ ભાજપ અને જેડીએસએ સરકાર પર ઐતિહાસિક વારસા સાથે ચેડાં કરવાનો આરોપ લગાવ્યો છે.

વિપક્ષનું કહેવું છે કે આ ઇમારત અગાઉના મૈસુર રજવાડાના દીવાન કે. શેષાદ્રિ અય્યર સાથે સંકળાયેલી રહી છે. આ ઉપરાંત મહાત્મા ગાંધી પણ અહીં રોકાઈ ચૂક્યા છે. આવી ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી ઇમારતને ખાનગી જરૂરિયાતો પૂરી કરવા માટે મુખ્યમંત્રીના નિવાસસ્થાન અને કચેરીમાં ફેરવવી એ ઇતિહાસ સાથે છેતરપિંડી સમાન છે.

વિપક્ષની ટીકા અંગે પ્રતિક્રિયા આપતાં ડી.કે. શિવકુમારે કહ્યું હતું કે સરકારની ટીકા કરવી એ વિપક્ષની જવાબદારી છે. તેમણે વિપક્ષી નેતાઓને નવા પરિસરની મુલાકાત લેવા આમંત્રણ પણ આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં અગાઉ પણ 'કાવેરી' અને 'અનુગ્રહ' જેવા સરકારી બંગલાઓનો ઉપયોગ મુખ્યમંત્રીઓના સત્તાવાર નિવાસસ્થાન તરીકે થતો રહ્યો છે. હવે ઐતિહાસિક કુમાર કૃપા ગેસ્ટ હાઉસનું નામ બદલીને 'ગંગા' રાખવામાં આવ્યું છે અને તેને મુખ્યમંત્રીના નવા સરકારી નિવાસસ્થાન તરીકે તૈયાર કરવામાં આવ્યું છે.