અમૃતસર-દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરોની સુરક્ષાને લઈને વધુ એક વખત ચિંતા ઉભી થઈ છે. જ્યારે એક દારુ પીધેલો વ્યક્તિ વિમાનમાં બેઠો અને વિમાનમાં પાયલોટ અને સહ-મુસાફરોની સાથે તેનો ઝઘડો થયો, આ દરમિયાન મુસાફરે ખુબ જ અભદ્ર વ્યવહાર કર્યો. દિલ્હી એરપોર્ટ પર ઉતરતા જ આ વ્યક્તિને એરપોર્ટના સુરક્ષાકર્મીઓના હવાલે કરી દેવામાં આવ્યો.
એર ઈન્ડિયાના કર્મચારીઓએ હસ્તક્ષેપ કરવો પડ્યો
આ ઘટના એર ઈન્ડિયાની ફ્લાઈટ AI454માં બની. જેમાં 40 વર્ષનો વ્યક્તિ અમૃતસરના શ્રી ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી વિમાનમાં બેસતા પહેલા જ ગ્રાઉન્ડ સ્ટાફ સામે આક્રમક થયો હતો. જો કે તેને દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં જવાની પરવાનગી આપવામાં આવી. પોતાની પત્ની અને બાળકોની સાથે મુસાફરી કરી રહેલા આ વ્યક્તિએ મુસાફરી દરમિયાન સહ-મુસાફરોની સાથે ખોટો ઝઘડો કરવાનો શરૂ કરી દીધો, જેના કારણે એર ઈન્ડિયાના કર્મચારીઓએ હસ્તક્ષેપ કરવો પડ્યો અને તે વ્યક્તિને શાંત રહેવા માટે કહ્યું. તે પછી પણ ઝઘડો ચાલું રહ્યો.
એર ઈન્ડિયાની મહિલા ક્રૂ મેમ્બર પર ચંપલ નાખતા પણ જોવામાં આવ્યો
એર ઈન્ડિયાના સ્ટાફે ના પાડી છતાં પણ નશામાં ધૂત આ વ્યક્તિ ઝઘડો કરતો રહ્યો. વિમાનનું જ્યારે લેન્ડિંગ કરવામાં આવી રહ્યું હતું, તે સમયે વ્યક્તિ પોતાની સીટ પરથી ઉભો થઈ ગયો અને એક સહ-મુસાફર સાથે ઝઘડો કરવા લાગ્યો. ત્યારબાદ એર ઈન્ડિયાના એક ક્રૂ મેમ્બરે સહ-મુસાફરને તરત જ બિઝનેસ ક્લાસની સીટ પર બેસાડી દીધો. આ ઘટના દરમિયાન તે વ્યક્તિને એર ઈન્ડિયાની મહિલા ક્રૂ મેમ્બર પર ચંપલ નાખતા પણ જોવામાં આવ્યો. વિમાન સુરક્ષિત રીતે દિલ્હીમાં લેન્ડ થયા બાદ એર ઈન્ડિયાના કર્મચારીઓએ આ વ્યક્તિને સુરક્ષાકર્મીઓને સોંપી દીધો.
બીજા મુસાફરને બિઝનેસ ક્લાસની સીટ પર બેસાડી દીધો
એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે એર ઈન્ડિયાની 28 જૂને અમૃતસરથી દિલ્હી જતી ફ્લાઈટમાં એક મુસાફરે અભદ્ર વ્યવહાર કર્યો. લેન્ડિંગ માટે કેબિનની તૈયારી દરમિયાન અમારા કેબિન ક્રૂના એક સભ્યએ જોયું કે એક મુસાફર ઉભો છે અને બીજા મુસાફર સાથે ઝઘડો કરી રહ્યો હતો. બીજા મુસાફરે પાયલટને જણાવ્યું કે તે વ્યક્તિ અભદ્ર ભાષા બોલી રહ્યો છે. અમારા કેબિન ક્રૂએ તરત સ્થિતિ શાંત કરી અને લેન્ડિંગ દરમિયાન બીજા મુસાફરને બિઝનેસ ક્લાસની સીટ પર બેસાડી દીધો.