પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે (૨૦ ઓક્ટોબર) સાંજે પૂર્વ દિલ્હીના આઈપી એક્સટેન્શન સ્થિત ઉત્સવ ગ્રાઉન્ડ ખાતે આયોજિત દશેરા ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. પીએમ મોદીના આગમનને પગલે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત અને ટ્રાફિક ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં અંદાજે ૧૦,૦૦૦ જેટલા લોકો હાજર રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે.

સ્પેશિયલ કમાન્ડો અને ૨,૫૦૦ જવાનો સાથે થ્રી-લેયર સુરક્ષા ઘેરો

પીએમ મોદીની સુરક્ષા માટે ત્રણ-સ્તરીય (Three-tier) સુરક્ષા ઘેરો ગોઠવવામાં આવ્યો છે. જેમાં કેન્દ્રીય સશસ્ત્ર અર્ધલશ્કરી દળો અને દિલ્હી પોલીસના આશરે ૨,૫૦૦ થી વધુ કર્મચારીઓ તૈનાત રહેશે. સુરક્ષાની સૌથી અંદરની કમાન સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) સંભાળશે. મધ્યમ ઘેરાનું સંચાલન દિલ્હી પોલીસના પીએમ સુરક્ષા વિભાગ દ્વારા કરવામાં આવશે, જ્યારે ત્રીજા બહારના ઘેરામાં સ્થાનિક પોલીસ ખડેપગે રહેશે. આ સિવાય આતંકવાદ વિરોધી એકમ અને SWAT કમાન્ડો પણ તૈનાત કરાયા છે.

પ્રવેશ પાસ અને કડક ચેકિંગ સાથે ગ્રાઉન્ડ પર પ્રવેશ

અહેવાલો મુજબ, પ્રધાનમંત્રી સાંજે 6.30 વાગ્યે ઉત્સવ ગ્રાઉન્ડ ખાતે પહોંચશે. ગ્રાઉન્ડમાં માત્ર માન્ય પ્રવેશ પાસ ધરાવતા લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. SPG એ સમગ્ર સ્થળનો કબ્જો લઈ લીધો છે અને સઘન તોડફોડ વિરોધી તપાસ (Anti-sabotage check) હાથ ધરી છે. દરેક પ્રવેશદ્વાર પર ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર, બેગેજ સ્કેનર અને હેન્ડ-હેલ્ડ મેટલ ડિટેક્ટર સ્થાપિત કરીને કડક તપાસ કરવામાં આવી રહી છે.

ડ્રોનથી હવાઈ નજર અને ઊંચી ઈમારતો પર સ્નાઈપર્સ તૈનાત

પૂર્વ દિલ્હીના ડીસીપી રાજીવ કુમારે જણાવ્યું હતું કે દશેરાના કાર્યક્રમો માટે સુરક્ષા અને ટ્રાફિકનું વ્યાપક આયોજન કરાયું છે. મેદાન પર જવાનોની તૈનાતી સાથે ડ્રોન કેમેરાથી સમગ્ર વિસ્તાર પર હવાઈ દેખરેખ રાખવામાં આવી રહી છે. વડાપ્રધાનના કાફલાના રૂટ અને કાર્યક્રમ સ્થળની આસપાસ આવેલી તમામ ઊંચી ઈમારતોની છત પર ખાસ સ્નાઈપર્સ અને શૂટર્સ તૈનાત કરી દેવામાં આવ્યા છે.


આ પણ વાંચો : vijayadashami wishes : PM મોદીથી અમિત શાહ સુધીના નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ, જાણો કોણે શું કહ્યું!