ECI (ભારતીય ચૂંટણી પંચ)એ મતદાર નોંધણીની પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવી છે. હવે નાગરિકોએ મતદાર યાદીમાં પોતાનું નામ જાળવી રાખવા માટે વારંવાર સરકારી કચેરીઓના ધક્કા ખાવા નહીં પડે. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે જેમને નોટિસ મળી છે, તેમના ઘરે જઈને બૂથ લેવલ ઓફિસર (BLO) જરૂરી દસ્તાવેજો એકત્ર કરશે.
અરજીની સમયમર્યાદા વધારાઈ
શનિવારે મળેલી બેઠકમાં ત્રણેય ચૂંટણી કમિશનરોએ મળીને આ નિર્ણય લીધો હતો. અરજી કરવાની સમયમર્યાદા વધારવામાં આવી છે, જેના કારણે દિલ્હી અને મહારાષ્ટ્રના નાગરિકોને રાહત મળશે. નબળા વર્ગના અને ઘરવિહોણા લોકોના મતદાનના અધિકારને સુનિશ્ચિત કરવા માટે ખાસ હેલ્પ ડેસ્ક પણ બનાવવામાં આવશે. સુપ્રીમ કોર્ટે પણ ચૂંટણી પંચની આ સમગ્ર રિવિઝન પ્રક્રિયાને મંજૂરી આપી છે. આ નિર્ણયથી ટેક્નિકલ કારણોસર મતદાર યાદીમાંથી નામ હટાવવામાં આવેલા લોકોને રાહત મળશે.
સરકારી કચેરી જવાની જરૂર નહીં
SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) અભિયાન હેઠળ જે મતદારોને ‘અનમેપ્ડ’ સ્ટેટસ અથવા લોજિકલ ગડબડ અંગે નોટિસ મળી છે, તેમને હવે ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર (ERO)ની કચેરીમાં જવાની જરૂર નહીં પડે. BLO સીધા મતદારોના ઘરે જઈને જરૂરી દસ્તાવેજો એકત્ર કરશે અને તેને ECI પોર્ટલ પર અપલોડ કરશે.
ખાસ કિસ્સામાં ઓનલાઈન સુનાવણી
ચૂંટણી કમિશનરોની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે હવે માત્ર ખાસ કિસ્સાઓમાં જ સુનાવણી કરવામાં આવશે અને તે પણ મુખ્યત્વે ઓનલાઈન રહેશે. નાગરિક પોતાની જગ્યાએ સુનાવણીમાં હાજર રહેવા માટે પરિવારના કોઈ પુખ્ત સભ્યને અધિકૃત કરી શકે છે. SIR અંગે નોટિસ મેળવનારા લોકોને સામાન્ય રીતે વ્યક્તિગત સુનાવણીની જરૂર રહેશે નહીં.
ECINETની સમીક્ષા માટે સમિતિ
DEO (જિલ્લા ચૂંટણી અધિકારી) જરૂરિયાત મુજબ નાઇટ શેલ્ટર, મજૂરો, ગરીબો અને ઘરવિહોણા લોકો માટે હેલ્પ ડેસ્ક બનાવશે. SIR દરમિયાન ફોર્મ-6 સાથે ઘોષણાપત્ર રજૂ કરવાની પ્રક્રિયા ચાલુ રહેશે. સુપ્રીમ કોર્ટે પણ તેને યોગ્ય ઠેરવ્યું છે. એક વરિષ્ઠ DEC (ડેપ્યુટી ઇલેક્શન કમિશનર) અને IIT/IIMના સ્વતંત્ર નિષ્ણાતોની સમિતિ ECINETની સમીક્ષા કરશે.
આ પણ વાંચો: NDAના 3 સહયોગી પક્ષોએ જ ચૂંટણી પંચ પાસે માંગી સ્પષ્ટતા, કહ્યું- 'જનતાની શંકા દૂર કરો'